તમારા ફોન પર કોઈનો કૉલ આવે ત્યારે હવે સ્ક્રીન પર નંબરની સાથે નામ પણ દેખાશે. દૂરસંચાર વિભાગે ટેલિકૉમ ઑપરેટર્સને ૧ નવેમ્બર ૨૦૨૬થી આ સુવિધા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. યુઝરે આ સેવા અલગથી ચાલુ કરવાની જરૂર પડશે નહીં. સરકારના આ નિર્ણયને ૯ સવાલ-જવાબમાં સમજીએ.
સવાલ ૧: સરકારે કૉલિંગ અંગે કયો નવો નિયમ જાહેર કર્યો છે?
જવાબ: સરકારે કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે ૧ નવેમ્બર ૨૦૨૬થી તમામ 4G અને 5G મોબાઇલ નેટવર્ક પર 'કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન' (CNAP) ફરજિયાત કરવામાં આવે. આથી કોઈપણ અજાણ્યા નંબર પરથી કૉલ આવે ત્યારે કૉલ કરનારનો નંબર અને નામ ફોનની સ્ક્રીન પર દેખાશે.
સવાલ ૨: કૉલ આવે ત્યારે સ્ક્રીન પર નામ અને નંબર કેવી રીતે દેખાશે?
જવાબ: જેણે તમને ફોન કર્યો હોય તેનું નામ તમારી સ્ક્રીન પર દેખાશે. જો કૉલ કરનારનું નામ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય તો એ જ નામ દેખાશે. જો નંબર સેવ ન હોય તો કૉલ કરનારે સિમ લેતી વખતે જે નામ નોંધાવ્યું હતું તે દેખાશે.
સવાલ ૩: વિદેશથી કૉલ આવે તો સ્ક્રીન પર શું દેખાશે?
જવાબ: જો કૉલ બીજા દેશના નંબર પરથી આવતો હોય તો સ્ક્રીન પર કોઈનું નામ નહીં દેખાય, ફક્ત 'ઇન્ટરનેશનલ કૉલ' લખેલું દેખાશે.
સવાલ ૪: આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે, કંપનીઓએ નવો ડેટાબેઝ બનાવવો પડશે?
જવાબ: હા, દરેક ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડરે પોતાના યુઝર્સના નામ અને મોબાઇલ નંબરને લિંક કરતો નવો ડેટાબેઝ તૈયાર કરવો પડશે. જ્યારે તમને કૉલ આવશે ત્યારે કંપની ડેટાબેઝમાંથી નામ મેળવીને તરત જ તમારી સ્ક્રીન પર બતાવશે.
સવાલ ૫: શું મારી પર્સનલ પ્રાઇવસી અને ડેટા સુરક્ષિત રહેશે?
જવાબ: કૉલ કપાઈ જતાં જ સિસ્ટમ તે નામને પોતાની મેમરીમાંથી તરત કાઢી નાખશે, જેથી તમારો ડેટા સુરક્ષિત રહે. જે લોકોએ પ્રાઇવસી માટે પોતાનું નામ છુપાવવાની (CLIR) સેવા લીધી હોય તેમનું નામ સ્ક્રીન પર દેખાશે નહીં.
સવાલ ૬: બિઝનેસ, કંપનીઓ અને બલ્ક કનેક્શન ધરાવતા લોકો માટે શું નિયમો છે?
જવાબ: બિઝનેસ કે બલ્ક સિમ વાપરતા યુઝર્સને પોતાનું ટ્રેડમાર્ક અથવા રજિસ્ટર્ડ બિઝનેસ નામ દર્શાવવાનો વિકલ્પ મળશે. આ માટે તેમણે ટ્રેડમાર્ક રજિસ્ટ્રી કે GST પોર્ટલ પર રજિસ્ટર્ડ નામનું વેરિફિકેશન અને દસ્તાવેજો ઑપરેટરને આપવા પડશે.
સવાલ ૭: 2G, 3G અને લેન્ડલાઇન નેટવર્ક ધરાવતા યુઝર્સનું શું થશે?
જવાબ: હાલમાં આ નિયમ ફક્ત 4G અને 5G કે તેથી ઉપરની જનરેશનના મોબાઇલ નેટવર્ક પર ફરજિયાત લાગુ થાય છે. 2G, 3G નેટવર્ક અને પબ્લિક સ્વિચ્ડ ટેલિફોન નેટવર્ક (PSTN) પર તેને લાગુ કરવા અંગે સરકાર અલગથી વિચારણા કરશે.
સવાલ ૮: આ નિર્ણયની પૃષ્ઠભૂમિ શું છે, શું તેના ટ્રાયલ થઈ ચૂક્યા છે?
જવાબ: ટેલિકૉમ રેગ્યુલેટરી TRAIએ ફેબ્રુઆરી ૨૦૨૪માં તેની ભલામણ કરી હતી. ત્યારબાદ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેના ટ્રાયલ કરવામાં આવ્યા. ઑક્ટોબર ૨૦૨૫માં TRAI અને DoT વચ્ચે સંમતિ થઈ કે તેને 'રિકવેસ્ટ પર આપવાને' બદલે બાય-ડિફોલ્ટ લાગુ કરવામાં આવશે.
સવાલ ૯: સામાન્ય મોબાઇલ યુઝર્સને આ નિર્ણયથી શું ફાયદો થશે?
જવાબ: સૌથી મોટો ફાયદો એ થશે કે ખોટા કૉલ્સ, સાઇબર ફ્રોડ, સ્પામ કૉલ્સ અને બ્લેકમેઇલિંગ જેવી ઘટનાઓ પર રોક લાગશે. ખોટા નામે સિમ ચલાવતા લોકોની ઓળખ સરળ બનશે અને યુઝર્સને ટ્રૂકોલર જેવી થર્ડ-પાર્ટી એપ્સ પર નિર્ભર રહેવું નહીં પડે.
યુઝર્સ માટે ટિપ્સ
તમારો સિમ ડેટા ચેક કરો: જો તમારો સિમ તમારા કોઈ પરિજન કે જૂના નામે છે, તો ૧ નવેમ્બરથી કૉલ કરતી વખતે તે જ નામ અન્ય લોકોને દેખાશે. તેને સુધારવા માટે તમારા ટેલિકૉમ ઑપરેટરનો સંપર્ક કરીને KYC અપડેટ રાખો.
બિઝનેસ માલિકો ધ્યાન આપે: જો તમારું કોઈ બિઝનેસ કનેક્શન હોય, તો ૧ નવેમ્બર પહેલાં તમારા GST કે ટ્રેડમાર્ક દસ્તાવેજો આપીને તમારું બ્રાન્ડ નામ અપડેટ કરાવી લો.