બ્રિક્સ સમિટ 2026માં ભારત અને ચીન વચ્ચે 7 વર્ષ પછી મહત્વની સહમતિ સધાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકમાં સીમા વિવાદ, વ્યાપાર અને વૈશ્વિક પડકારો સહિત 7 મુખ્ય મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતને સમર્થન અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ જેવા મુદ્દાઓ પર પણ બ્રિક્સ સમિટમાં તમામ દેશોએ સહમતિ દર્શાવી છે.
વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિશ્વાસના ત્રણ 'પરસ્પર' પર ભાર મૂક્યો છે. આ ત્રણ પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિત છે. બંને દેશો વચ્ચે 7 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની છે.
ભારત-ચીન વચ્ચે 7 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ:
- સંબંધોને વ્યૂહાત્મક અને લાંબાગાળાના દૃષ્ટિકોણથી જોવામાં આવશે.
- મતભેદોને વિવાદમાં બદલાવા દેવામાં આવશે નહીં.
- સીમા વિવાદનો નિષ્પક્ષ અને સ્વીકાર્ય ઉકેલ શોધવામાં આવશે.
- વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવામાં આવશે.
- બંને દેશના લોકો વચ્ચે અવરજવરને પ્રોત્સાહન આપવામાં આવશે.
- આર્થિક અને વ્યાપારિક ચિંતાઓનો ઉકેલ શોધવામાં આવશે.
- પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર સહયોગ વધારવામાં આવશે.
આ સાથે જ પીએમ મોદીએ સ્વીકાર્યું કે, બંને દેશો વચ્ચે મતભેદો છે પરંતુ તે મતભેદો વિવાદમાં બદલાવા ન જોઈએ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સ્વીકાર્યું કે, વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો અને 'ગ્લોબલ સાઉથ'ના મહત્વપૂર્ણ સભ્યો તરીકે બંને દેશોની જવાબદારી મોટી છે. તેથી, સાથે મળીને કામ કરવું પડશે.
બ્રિક્સ સમિટના બીજા દિવસે વર્લ્ડ લીડર્સને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આપણી વિવિધતા એ જ આપણી ઓળખ રહે અને આપણો સહયોગ એ જ આપણી પ્રેરણા બને.
બ્રિક્સમાં આ રીતે કામ આવી પીએમ મોદીની ડિપ્લોમસી:
નોંધનીય છે કે, 'દિલ્હી' પર દુનિયાની નજર છે. આમાં પીએમ મોદીની ડિપ્લોમસીની પરખ પણ થઈ રહી છે પરંતુ બ્રિક્સના ઘોષણાપત્રમાંથી જે વાતો સામે આવી છે, તે પોતાનામાં જ ભારતની જીત છે. આને નીચે જણાવેલ પાંચ મુદ્દાઓથી સમજી શકાય છે:
- UNSCમાં હવે ચીન પણ ભારતનું સમર્થન કરશે, જે હંમેશાથી વિરોધ કરતું આવ્યું છે. ચીને ન્યૂ દિલ્હી ડિક્લેરેશન પર સાઇન પણ કર્યા છે.
- પહેલગામ આતંકી હુમલાની નિંદા કરવામાં આવી.
- આતંકવાદ પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી. તમામ સભ્ય દેશોએ એક સુરે આના પર સહમતિ દર્શાવી છે.
- મધ્ય-પૂર્વમાં શાંતિની પહેલ કરવાની ભારતની વાતને બ્રિક્સની મહોર લાગી છે.
- તમામ દેશોએ એકસાથે મળીને ટેરિફને લઈને ચાલી રહેલી મનમાની સામે પ્રસ્તાવ પાસ કર્યો છે.