ન્યૂઝીલેન્ડ પ્રવાસની વનડે સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટન બદલાઈ શકે છે. શુભમન ગિલની જગ્યાએ ઉપકેપ્ટન શ્રેયસ અય્યર છેલ્લી બે વનડે મેચોમાં ટીમનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. આ માટે કોઈ અંગત કારણ નથી, પણ પ્રવાસનું ટાઈટ શિડ્યુલ જવાબદાર છે.
ભારતીય ટીમ ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચશે. ત્યાં 22 ઓક્ટોબરથી પાંચ મેચની ટી20 સિરીઝ શરૂ થશે, જેમાં ટીમની કમાન શ્રેયસ અય્યર સંભાળશે. ત્યારબાદ 4 નવેમ્બરથી પાંચ મેચની વનડે સિરીઝ રમાશે, જેમાં શુભમન ગિલ કેપ્ટન હશે. પરંતુ વનડે સિરીઝ પૂરી થાય તે પહેલાં જ ગિલ ટીમ છોડી શકે છે.
વનડે સિરીઝની છેલ્લી મેચ 15 નવેમ્બરે રમાશે, જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ 19 નવેમ્બરથી શરૂ થશે. બંને સિરીઝ વચ્ચે માત્ર ત્રણ દિવસનો બ્રેક છે. આટલા ટૂંકા સમયમાં ખેલાડીઓને આરામ મળે અને ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિમાં રેડ બોલની તૈયારી થાય તે માટે આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ જેવા સિનિયર ખેલાડીઓ વનડે અને ટેસ્ટ બંને ટીમનો ભાગ છે. આ ખેલાડીઓ છેલ્લી બે વનડે મેચમાંથી આરામ લઈ શકે છે. તે દરમિયાન શ્રેયસ અય્યર ટીમની કેપ્ટનશિપ કરશે.
ફક્ત ખેલાડીઓ જ નહીં, સપોર્ટ સ્ટાફ પણ બે ભાગમાં વહેંચાશે. હેડ કોચ ગૌતમ ગંભીર ત્રીજી વનડે પૂરી થયા બાદ સીધા ટેસ્ટ ટીમ સાથે જોડાશે. ફિલ્ડિંગ કોચ સુભાષદીપ, બેટિંગ કોચ સિતાંશુ કોટક અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલમાંથી એક કોચ ગંભીર સાથે ટેસ્ટ ટીમની તૈયારી માટે જશે, જ્યારે બાકીના બે આસિસ્ટન્ટ કોચ વનડે સિરીઝ પૂરી થાય ત્યાં સુધી વનડે ટીમ સાથે રહેશે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ આ પ્રવાસમાં પાંચ ટી20, પાંચ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. લાંબા પ્રવાસમાં ખેલાડીઓ પર શારીરિક ભાર ન પડે અને દરેક ફોર્મેટ માટે તૈયારી પૂરી થાય તે માટે ટીમ મેનેજમેન્ટ આ પ્રકારની યોજના બનાવી રહ્યું હોવાનું મનાય છે.