ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2027માં શરૂ થવાની છે. રેલવે મંત્રાલયે આ અંગેની પુષ્ટિ કરી છે. બુલેટ ટ્રેન પૂરી ઝડપે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. શરૂઆતના તબક્કે તે અમદાવાદ અને મુંબઈ વચ્ચે સરેરાશ 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામની ઝલક દર્શાવવામાં આવી છે. જેમાં સુરત-વાપી ટ્રેક પર રેલવે પુલ, સ્ટેશનો અને ટનલ પર કામ કરતા કર્મચારીઓ જોવા મળે છે. આ વીડિયો 2027 સુધીમાં બુલેટ ટ્રેન પાટા પર દોડે તે માટે થઈ રહેલી પ્રગતિ દર્શાવે છે.
દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ કોરિડોર પર શરૂ થશે. આ કોરિડોરનો 348 કિલોમીટરનો ભાગ ગુજરાતમાં આવેલો છે. રેલવે મંત્રાલયે જે વીડિયો શેર કર્યો છે તે વાપી-સુરત સેક્શનનો છે, જે લગભગ 100 કિલોમીટર લાંબો છે.
બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં કાપશે. હાલમાં આ જ અંતર સૌથી ઝડપી ટ્રેનથી કાપવામાં આશરે 6 કલાક લાગે છે. રેલવેએ આ કોરિડોર પર 12 સ્ટોપ નક્કી કર્યા છે. જેમાં સાબરમતી, મુંબઈ (BKC), થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને અમદાવાદનો સમાવેશ થાય છે. પહેલું સ્ટેશન સાબરમતી અને છેલ્લું સ્ટેશન મુંબઈ છે.