મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ના વિરોધમાં ઇન્ડિયા બ્લોકે ગુરુવારે દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પ્રદર્શન કર્યું. આ દરમિયાન જંતર-મંતર પર થયેલા પ્રદર્શન વખતે પોલીસ સાથે મારપીટના આરોપમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વડીલા સામે FIR નોંધવામાં આવી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ત્રણ FIR નોંધાઈ છે. આ પહેલાં 6 ઑક્ટોબરે થયેલી માર્ચ દરમિયાન આકાશવાણી ભવનમાં ઘૂસવાના મામલે પણ FIR નોંધાઈ હતી. રાહુલ ગાંધીએ આ અંગે કહ્યું હતું, 'હું FIRથી ડરતો નથી. મારી સામે 45 FIR થઈ ચૂકી છે. હું ઈચ્છું છું કે 100 FIR થાય.'
બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સતત બીજા દિવસે INDIA બ્લોકના નેતાઓ માટે લંચનું આયોજન કર્યું. આ લંચ કનોટ પ્લેસના આઉટર સર્કલ સ્થિત મોએટ્સ રેસ્ટોરન્ટમાં બપોરે 1:45 વાગ્યે યોજાયું. ગઈકાલે પણ ખડગેએ વિપક્ષી સાંસદો માટે લંચ રાખ્યું હતું, જે બાદ તમામ સાંસદો જંતર-મંતર પર પ્રદર્શન માટે નીકળી ગયા હતા.
આજના પ્રદર્શનમાં રાહુલ ગાંધી અને ઇન્ડિયા બ્લોકના અન્ય નેતાઓ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જંતર-મંતર પહોંચ્યા હતા. દરમિયાન, કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળતી હાલની 'Z+' સુરક્ષામાં વધારો કર્યો છે. તેમના ઘર, કાર્યાલય અને વ્યક્તિગત સુરક્ષામાં વધારાના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં વિપક્ષના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. પટણામાં મહાગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચ અને SIR વિરુદ્ધ રેલી કાઢી, જેમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સામેલ થયા. રાજદના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ કહ્યું, 'આજે પ્રદર્શનની જોરદાર તૈયારી છે. તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધનના તમામ ધારાસભ્યો અને સાંસદો આ રેલીમાં સામેલ થઈ રહ્યા છે. રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપીશું. અમારી માંગ છે કે જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર પદ પરથી હટાવવામાં આવે.' પટણામાં પોલીસે બેરિકેડિંગ કર્યું હતું, જે તેજસ્વી યાદવે કૂદીને પાર કર્યું.
ભોપાલમાં કોંગ્રેસે 'મત બચાવો, દેશ બચાવો' પદયાત્રા કાઢી, જે સાંજે 4:30 વાગ્યે વ્યાપમ ચોકથી શરૂ થઈને બોર્ડ ઓફિસ ચોક પર પૂરી થઈ. ઉત્તરાખંડમાં પણ કોંગ્રેસ અને INDIA ગઠબંધને દેહરાદૂનમાં 'લોકતંત્ર બચાવો-બંધારણ બચાવો-વોટ બચાવો' રેલી કાઢી, જે ગાંધી પાર્કથી શરૂ થઈને ઘંટાઘર સ્થિત ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી.
વિપક્ષી સાંસદોએ 10 ઑક્ટોબરે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો છે. તેમણે આજે રાષ્ટ્રપતિને પત્ર સોંપીને મુલાકાત માટે સમય માંગ્યો, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી છે.
વિપક્ષનો આરોપ છે કે SIR દરમિયાન મતદાર યાદીમાં ફેરફાર અને નવા મતદારો માટે ફોર્મ-6ની પ્રક્રિયામાં ચૂંટણી પંચે પારદર્શિતા જાળવી નહોતી. વિપક્ષે પંચની અંદરના બે ચૂંટણી આયુક્તોની આપત્તિઓ અને સુપ્રીમ કોર્ટમાં ફોર્મ-6ને લઈને થયેલી સુનાવણીનો હવાલો આપ્યો. કોંગ્રેસનો આરોપ છે કે CEC જ્ઞાનેશ કુમારે ભાજપનો સાથ આપ્યો અને મત ચોરી કરાવી.