મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને કોંગ્રેસ સહિત INDIA બ્લોકની વિપક્ષી પાર્ટીઓ આજે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરી રહી છે. કોંગ્રેસે આ પ્રદર્શનને ‘ચાલો દિલ્હી-માર્ચ ફોર ડેમોક્રસી’ નામ આપ્યું છે. વિપક્ષી નેતાઓ બપોરે 1:30 વાગ્યે કનોટ પ્લેસ-બારાખંભા રોડ જંક્શન પર એકત્ર થશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો, જેથી તેઓ આવેદનપત્ર સોંપી શકે. જોકે, CJIએ તેમને મળવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના મામલા પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં પડતર છે.
CJI તરફથી મુલાકાતની માગ ફગાવી દેવાયા બાદ કોંગ્રેસે કહ્યું કે અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ, પરંતુ અમે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરીશું. વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા, SIR પર રોક અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યો છે.
આ પહેલાં 9 ઑક્ટોબરે વિપક્ષી સાંસદોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આવેદનપત્ર સોંપ્યું હતું. સાંસદોએ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી પગપાળા કૂચ કરી હતી. રાહુલ ગાંધી, મમતા બેનરજી, ખડગે સહિત 10 સાંસદોનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું, જ્યારે બાકીના સાંસદોએ વિજય ચોક પર ધરણાં આપ્યાં હતાં.
મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં મતચોરી થઈ રહી છે અને રાષ્ટ્રપતિએ પણ તેનો ઇનકાર કર્યો નથી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિએ અમારી પાસેથી પુરાવા માગ્યા છે.
આ અગાઉ 6, 7, 8 અને 9 ઑક્ટોબરે વિપક્ષી સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ત્રણ વાર કસ્ટડીમાં લીધા હતા. 7 ઑક્ટોબરે રાહુલ અને પ્રિયંકા ગાંધી જંતર-મંતરથી 200 મીટર પહેલાં રસ્તા પર બેસી ગયા હતા. પ્રિયંકા ગાંધીએ બંધારણની નકલ લઈને રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસે આકાશવાણી કાર્યાલયમાં બળજબરીથી ઘૂસવાના આરોપસર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક વિપક્ષી સાંસદો વિરુદ્ધ FIR નોંધાવી છે.
દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જાહેર કરી છે. સવારે 6 વાગ્યાથી અનેક મુખ્ય માર્ગો પર ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે. તેમાં શંકર રોડ-વંદે માતરમ ટી-પોઈન્ટ, ધૌલા કૂઆં ફ્લાયઓવર, ઝંડેવાલાન રાઉન્ડઅબાઉટ, મંડી હાઉસ, કનોટ પ્લેસ, સંસદ માર્ગ, પટેલ ચોક અને અશોક રોડ સહિત અનેક વિસ્તારો સામેલ છે.
પોલીસે નવી દિલ્હી અને સેન્ટ્રલ દિલ્હીથી રેલવે સ્ટેશન, ISBT અથવા એરપોર્ટ જતાં લોકોને વધારાનો સમય લઈને નીકળવાની અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્થળની પરિસ્થિતિ અનુસાર ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે.
સોમવારે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 6 મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી-એક્ઝિટ બંધ રહેશે. જેમાં મંડી હાઉસ, રાજીવ ચોક અને અન્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે. વિપક્ષના માર્ચ પહેલાં અનેક સ્થળોએ મલ્ટી-લેયર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. જનપથ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
8 ઑક્ટોબરે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. ખડગેએ કહ્યું હતું કે સરકાર મત આપવાનો અધિકાર છીનવી રહી છે. રાહુલ-પ્રિયંકા ગાંધી અને INDIA બ્લોકના સાંસદોએ પહેલાં કનોટ પ્લેસમાં લંચ કર્યું હતું, ત્યારબાદ બસોમાંથી રાજઘાટ પહોંચ્યા હતા. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજઘાટ પર લગભગ એક કલાક રાહ જોયા બાદ તેમને અંદર જવા દેવામાં આવ્યા હતા.