સત્ય. સાહસ. સંકલ્પ.

PM મોદી અને જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી થશે જ, આ મારી ગેરંટી: રાહુલ ગાંધી

PM મોદી અને જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી થશે જ, આ મારી ગેરંટી: રાહુલ ગાંધી

નવી દિલ્હી: ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે I.N.D.I.A. બ્લોકનું વિરોધ પ્રદર્શન ગુરુવારે સતત ત્રીજા દિવસે વધુ ઉગ્ર બન્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની લંચ બેઠક બાદ વિપક્ષી સાંસદો બસોમાં બેસીને રાજઘાટ પર શાંતિપૂર્ણ ધરણાં કરવા રવાના થયા હતા.

ખડગેએ જણાવ્યું કે વિપક્ષી નેતાઓ ગાંધી સ્મારક પર બેસીને દેશહિત માટે પ્રાર્થના કરશે. તેમણે કહ્યું, 'અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે પ્રાર્થના કરીશું કે તેમને સદ્બુદ્ધિ આવે અને એ વાતનો અહેસાસ થાય કે તેમના કાર્યો દેશના હિતમાં નથી. મહાત્મા ગાંધી, પંડિત નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે જે આઝાદી અને લોકતાંત્રિક અધિકારો અપાવ્યા હતા, તેને આ સરકાર છીનવી રહી છે.'

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, 'લોકસભા અને રાજ્યસભાના લગભગ 300 સાંસદો દેશની જનતા વતી ચૂંટણી પંચને મળવા અને વિરોધ નોંધાવવા ઇચ્છે છે. પરંતુ પોલીસ અમને રસ્તામાં અટકાવી રહી છે અને ધમકાવી રહી છે. લોકશાહીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પોતાના અધિકારનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.'

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આરએસએસ વડા મોહન ભાગવત અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મળીને દેશ અને ચૂંટણી તંત્રને 'હાઇજેક' કરી લીધું છે. તેમણે કહ્યું, 'આ ચારેય સામે કાયદાકીય કાર્યવાહી થશે, તે મારી ગેરંટી છે. દેશના બંધારણ અને કરોડો નાગરિકોના અવાજ પર હુમલો કરનાર કોઈપણ વ્યક્તિ બચી શકશે નહીં.'

કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે આ લડાઈને 'કરો યા મરો' ગણાવી હતી. તેમણે ભાજપ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સીઈસી જ્ઞાનેશ કુમાર પર લોકશાહીમાં અરાજકતા ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો.

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત નક્કી થશે તો તેઓ જાતે દિલ્હી જશે. આ આંદોલનમાં 'વોટ ચોરી', મોંઘવારી અને બેરોજગારી જેવા યુવાનોના પ્રશ્નોને પણ અગ્રતાથી ઉઠાવવામાં આવી રહ્યા છે.