સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી પંચ વિરુદ્ધ 20 વિપક્ષી પક્ષો દેશભરમાં આંદોલન કરશે: ખડગેની જાહેરાત

ચૂંટણી પંચ વિરુદ્ધ 20 વિપક્ષી પક્ષો દેશભરમાં આંદોલન કરશે: ખડગેની જાહેરાત

દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયામાં બુધવારે I.N.D.I.A. ગઠબંધનની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ, જે લગભગ ત્રણ કલાક સુધી ચાલી. આ બેઠકમાં 20 જેટલા વિપક્ષી દળોએ ભાગ લીધો. બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા.

ખડગેએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ (ECI) સરકારના હાથની કઠપૂતળીની જેમ કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશભરમાં ચૂંટણી પંચના કામકાજ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને તેમના સાથી સભ્યોની ભૂમિકા સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે. તેમણે માંગ કરી કે જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવામાં આવે અને ભવિષ્યની ચૂંટણીઓ માટે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા પહેલાની જ વોટર લિસ્ટનો ઉપયોગ કરવામાં આવે. વધુમાં, વોટર લિસ્ટમાં થતા દરેક ફેરફારમાં સંપૂર્ણ પારદર્શિતા જરૂરી છે.

સરકાર અને ચૂંટણી પંચની નીતિઓ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધને આગામી દિવસોમાં દેશભરમાં આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. આ વિરોધમાં આમ જનતા, યુવાનો, I.N.D.I.A. ગઠબંધનના સભ્યો, એનજીઓ તેમજ લોકશાહી અને એકતા માટે કામ કરતી સંસ્થાઓ જોડાશે.

આગામી કાર્યક્રમોની જાહેરાત મુજબ, 2થી 8 ઓક્ટોબર દરમિયાન દેશના દરેક જિલ્લા સ્તરે 'લોકશાહી બચાવો માર્ચ' કાઢવામાં આવશે અને જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) કચેરી બહાર જોરદાર દેખાવો કરવામાં આવશે. 6 ઓક્ટોબરે વિપક્ષી ગઠબંધનના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદો દિલ્હીમાં ચૂંટણી પંચ (ECI) સુધી માર્ચ કરશે. ઓક્ટોબરના બીજા અઠવાડિયે વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને મળીને આ મામલે આવેદનપત્ર આપશે અને સમય માંગશે. ઉપરાંત, વિપક્ષ દ્વારા આગામી સમયમાં દેશભરમાં પાંચ મોટી જનરેલીઓનું આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઝૂમ કોલ દ્વારા જોડાઈને કોંગ્રેસની 'એકલા ચાલો નીતિ' પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જો સરકાર અને ચૂંટણી પંચ સામે મોટી અને અસરકારક લડત લડવી હોય તો વિપક્ષે અલગ-અલગ કાર્યક્રમો કરવાને બદલે I.N.D.I.A. ગઠબંધનના સમાન બેનર હેઠળ એકજૂટ થઈને મેદાનમાં ઉતરવું પડશે.

સમાજવાદી પાર્ટી (SP) તરફથી અખિલેશ યાદવ વ્યસ્ત હોવાને કારણે બેઠકમાં હાજર નહોતા રહ્યા, પરંતુ તેમણે પોતાના પ્રતિનિધિઓ તરીકે મુઝફ્ફરનગરના સાંસદ હરેન્દ્ર મલિક અને રામપુરના સાંસદ મોહિબુલ્લાહ નદવીને મોકલ્યા હતા. આ બેઠક દ્વારા વિપક્ષે આગામી સમયમાં સરકાર અને ચૂંટણી પંચ સામે આક્રમક વલણ અપનાવવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.