સત્ય. સાહસ. સંકલ્પ.

SIR નિર્ણય કોણે લીધો? રાહુલ ગાંધી અને I.N.D.I.A. ગઠબંધનના ચૂંટણી પંચને 48 સવાલ

SIR નિર્ણય કોણે લીધો? રાહુલ ગાંધી અને I.N.D.I.A. ગઠબંધનના ચૂંટણી પંચને 48 સવાલ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને I.N.D.I.A. ગઠબંધનના અન્ય નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મતદાર યાદીમાં થયેલા ફેરફારો અંગે ચૂંટણી પંચ (EC) સામે 48 સવાલો ઊભા કર્યા છે અને સોગંદનામા દ્વારા તેમના જવાબ માંગ્યા છે.

અરજીમાં પંચને સીધો સવાલ પૂછવામાં આવ્યો છે કે દેશભરમાં SIR લાગુ કરવાનો નિર્ણય કોણે લીધો? SIR શરૂ કરવાના પંચના નિર્ણયની ફાઈલ અને તારીખ શું છે? આ ઉપરાંત ફોર્મ 6માં ફેરફાર કરવાનો નિર્ણય કોણે લીધો હતો? આ સવાલો દ્વારા વિપક્ષે ચૂંટણી પંચની આંતરિક કાર્યપ્રણાલી અને નિર્ણય લેવાની સત્તા પર પ્રશ્ન ઊભો કર્યો છે.

વિપક્ષ એ પણ જાણવા માંગે છે કે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને બંને ચૂંટણી કમિશનરોએ 26 ઓક્ટોબરના જવાબી સોગંદનામાને ક્યારે અને કેવી રીતે મંજૂરી આપી હતી? શું તેમણે કોઈ બેઠકમાં, ફાઈલ પર કે ઈલેક્ટ્રોનિક માધ્યમથી આ નિર્ણયોને મંજૂરી આપી હતી?

રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે કે SIRની મંજૂરી, મતદાર યાદીમાંથી લોકોના નામ દૂર કરવા અને ઓનલાઈન સિસ્ટમમાં કરાયેલા ફેરફારો અંગે નાયબ ચૂંટણી કમિશનર સહિતના અધિકારીઓને સોગંદનામા દ્વારા જવાબ આપવાનો નિર્દેશ અપાય. અરજીમાં સવાલ છે કે બંને ચૂંટણી કમિશનર વિવેક જોશી અને એસ.એસ. સંધુએ કેટલી વખત લેખિત વાંધા નોંધાવ્યા છે? શું SIR સાથે જોડાયેલો કોઈ નિર્ણય બહુમતીથી લેવાયો હતો અને તેમાં કોણે અસંમતિ દર્શાવી હતી?

ગઠબંધને ચૂંટણી પંચની ટેકનિકલ પારદર્શિતા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. અરજીમાં પૂછવામાં આવ્યું છે કે 24 જૂન 2025 પછી કોઈ વેન્ડર કે કોન્ટ્રાક્ટરના કર્મચારીને ઈલેક્ટોરલ રોલ ડેટાબેઝમાં ફેરફાર કરવાની પરવાનગી આપવામાં આવી હતી કે નહીં?

કોંગ્રેસે આ 48 સવાલોની યાદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના સોગંદનામામાં મત ચોરી અંગે ઉઠી રહેલા સવાલોના કોઈ જવાબ આપ્યા નથી. હવે I.N.D.I.A. ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર, અન્ય બે ચૂંટણી કમિશનરો અને ITના મહાનિર્દેશકને પ્રશ્નો પૂછવા માટે સુપ્રીમ કોર્ટની પરવાનગી માંગી છે.

યાદીના કેટલાક મુખ્ય સવાલોમાં પૂછવામાં આવ્યું છે: મુખ્ય ચૂંટણી કમિશનરના મત સાથે અન્ય બે ચૂંટણી કમિશનરોએ કેટલા નિર્ણયોમાં અસંમતિ દર્શાવી? દેશભરમાં SIR હાથ ધરવાનો નિર્ણય કોણે લીધો? ફોર્મ 6 બદલવાનો નિર્ણય કોણે લીધો? ERONET અને ECINETનું કેન્દ્રીયકરણ કરવાનો અને મતદાર યાદીને કેન્દ્રીય નિયંત્રણ હેઠળ રાખવાનો નિર્ણય કોણે લીધો?

ઉલ્લેખનીય છે કે વિપક્ષે આ પહેલાં પણ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાલની અરજીમાં તેમણે અગાઉની અરજી સાથે જોડીને આ 48 સવાલોના લેખિત જવાબ માંગ્યા છે.