સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું, અંતિમ મિનિટે અભિષેકનો નિર્ણાયક ગોલ

એશિયન ગેમ્સ હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું, અંતિમ મિનિટે અભિષેકનો નિર્ણાયક ગોલ

ગુરુવારે (1 ઓક્ટોબર) એશિયન ગેમ્સમાં પુરુષોની હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. 59મી મિનિટ સુધી સ્કોર 3-3થી બરાબર હતો, પરંતુ 60મી મિનિટે અભિષેકે ગોલ કરીને ભારતને જીત અપાવી.

ભારતની શરૂઆત શાનદાર રહી. પ્રથમ ક્વાર્ટરમાં જ ટીમ ઈન્ડિયાએ 2-0ની લીડ મેળવી લીધી. કેપ્ટન હરમનપ્રીત સિંહે 5મી મિનિટે પ્રથમ ગોલ અને 13મી મિનિટે બીજો ગોલ કર્યો.

બીજા ક્વાર્ટરમાં બંને ટીમોએ એક-એક ગોલ કર્યો. ભારત માટે સુખજીત સિંહે 23મી મિનિટે ગોલ કર્યો, જ્યારે પાકિસ્તાન માટે અબુ મોહમ્મદે 30મી મિનિટે ગોલ કર્યો. બે ક્વાર્ટર બાદ ભારત 3-1થી આગળ હતું.

ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાને એક ગોલ કર્યો અને ભારત એક પણ ગોલ કરી શક્યું નહીં. ત્રણ ક્વાર્ટર બાદ સ્કોર 3-2થી ભારતની તરફેણમાં હતો, પરંતુ દબાણ વધી ગયું હતું.

49મી મિનિટે પાકિસ્તાન માટે વહીદ રાણાએ ત્રીજો ગોલ કરીને સ્કોર 3-3ની બરાબરી પર લાવી દીધો. મેચમાં 11 મિનિટ બાકી હતી અને એવું લાગતું હતું કે પરિણામ પેનલ્ટી શૂટઆઉટથી નક્કી થશે.

પરંતુ 60મી મિનિટે અભિષેકે ગોલ કરીને ભારતને 4-3ની સરસાઈ અપાવી અને મેચનું પરિણામ નક્કી કર્યું. ભારત હવે ગોલ્ડ મેડલ માટે મલેશિયા અને કોરિયા વચ્ચેની બીજી સેમીફાઇનલના વિજેતા સામે રમશે.