એશિયન ગેમ્સ 2026ની પુરુષ હોકી સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે યજમાન જાપાનને 2-0થી હરાવીને સતત ચોથી જીત નોંધાવી છે. આ જીત સાથે ભારતીય ટીમ પૂલ-Aમાંથી સેમિફાઇનલમાં પ્રવેશ કરી ગઈ છે.
ભારત માટે અભિષેકે 15મી મિનિટે ગોલ કર્યો હતો, જ્યારે કેપ્ટન હરમનપ્રીત સિંહે 40મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો હતો.
હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમે અત્યાર સુધીની ચારેય મેચ જીતી છે. ટીમે આ ચાર મુકાબલામાં કુલ 39 ગોલ કર્યા છે અને 4 ગોલ ખાધા છે. જાપાન સામેની જીત સાથે ભારતે પૂલ-Aમાં પોતાનું અભિયાન મજબૂત બનાવ્યું છે અને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે.
ભારતે એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત ઈન્ડોનેશિયા સામે કરી હતી, જેમાં ભારતીય ટીમે 13-1થી જીત નોંધાવી હતી. ત્યારબાદ શ્રીલંકા સામે ભારતે 16-1થી એકતરફી જીત મેળવી હતી. ત્રીજી મેચમાં દક્ષિણ કોરિયા સામે 8-2થી જીત સાથે ભારતે ગ્રુપ સ્ટેજમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી.
ભારતીય હોકી ખેલાડી સંજયે જાપાન સામેની આ મેચમાં તેની સિનિયર આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી મેચ પૂરી કરી. હોકી ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંજયને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.