સત્ય. સાહસ. સંકલ્પ.

કોમનવેલ્થ કબડ્ડી: ભારતે શ્રીલંકાને 45-24થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

કોમનવેલ્થ કબડ્ડી: ભારતે શ્રીલંકાને 45-24થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ના સાતમા દિવસે યજમાન ભારતીય પુરુષ ટીમે શ્રીલંકાને 45-24ના મોટા અંતરથી પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે ટુર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત નોંધાવીને ગ્રુપ-Aમાં અજેય રહીને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે શુક્રવારે રાત્રે 8 વાગ્યે રમાનારી સેમિફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે.

ભારત અને શ્રીલંકા બંને ટીમો આ મેચ પહેલા અજેય હતી, પરંતુ ભારતે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી શ્રીલંકાને કોઈ તક આપી ન હતી. હરિયાણાના કેબિનેટ મંત્રી કૃષ્ણલાલ પંવારની વિશેષ ઉપસ્થિતિમાં રમાયેલી આ મેચમાં ભારતે રેડ પોઈન્ટ્સમાં 30-23 અને ટેકલ પોઈન્ટ્સમાં 9-1ની મોટી સરસાઈ મેળવી હતી.

ભારત તરફથી પંકજ મોહિતેએ 15 અને આદિત્ય શિંદેએ 10 પોઈન્ટ મેળવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. ભારતના આક્રમણ સામે શ્રીલંકાની ટીમ ત્રણ વખત ઓલ-આઉટ થઈ હતી. શ્રીલંકા તેના સ્ટાર ખેલાડી મિલિંદા ચતુરંગા વિના મેદાનમાં ઊતર્યું હતું, જેની ખોટ સ્પષ્ટ વર્તાઈ રહી હતી. છતાં મોહમ્મદ સબિહાએ નવ અને અદન વિદુરંગાએ પાંચ પોઈન્ટ મેળવી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. છ મેચમાંથી પાંચ જીત સાથે શ્રીલંકા ગ્રુપ-Aમાં બીજા સ્થાને રહ્યું છે.

અન્ય એક મહત્ત્વપૂર્ણ મુકાબલામાં બાંગ્લાદેશે સ્કોટલેન્ડને 70-20થી કચડી નાખી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બાંગ્લાદેશના મોહમ્મદ અલ અમીને શાનદાર રમત દર્શાવતાં એકલા હાથે 24 રેડ પોઈન્ટ મેળવ્યા હતા, જે આ ટુર્નામેન્ટમાં સંયુક્ત રીતે સૌથી વધુ પોઈન્ટનો રેકોર્ડ છે. પાંચમાંથી ચાર મેચ જીતીને બાંગ્લાદેશ ગ્રુપ-Bમાં બીજા સ્થાને રહ્યું છે.

અન્ય મેચોના પરિણામો:

  • તાંઝાનિયા Vs ઈંગ્લેન્ડ: દિવસની શરૂઆતની મેચમાં તાંઝાનિયાએ ઈંગ્લેન્ડને 36-27થી હરાવ્યું હતું. જોકે, આ જીત છતાં તાંઝાનિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.
  • યુગાન્ડા Vs નાઈજીરિયા: યુગાન્ડાએ નાઈજીરિયાને 72-29થી કારમો પરાજય આપ્યો હતો. યુગાન્ડા છ મેચમાં ચાર જીત સાથે ગ્રુપ-Aમાં ત્રીજા સ્થાને રહ્યું હતું પણ સેમિફાઇનલમાં પહોંચી શક્યું નહીં. નાઈજીરિયા તમામ છ મેચ હારી ગયું હતું.
  • કેનેડા Vs સિંગાપોર: રોમાંચક મેચમાં હાફ ટાઇમ સુધી સિંગાપોર 19-17થી આગળ હતું, પરંતુ બીજા હાફમાં કેનેડાએ વાપસી કરી 45-38થી જીત આંચકી લીધી હતી. કેનેડાના મનપ્રીત સિંહે 16 પોઈન્ટ મેળવ્યા હતા.
  • કેન્યા Vs ઓસ્ટ્રેલિયા: કેન્યાએ ઓસ્ટ્રેલિયાને 76-27થી હરાવી સતત પાંચમી જીત સાથે ગ્રુપ-Bમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

આજે સેમિફાઇનલનો મહાસંગ્રામ:

શુક્રવારે કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપની સેમિફાઇનલ મેચો રમાશે, જેના પર સૌની નજર રહેશે.

મહિલા સેમિફાઇનલ:

સાંજે 6:00 વાગ્યે: કેન્યા Vs યુગાન્ડા

સાંજે 6:45 વાગ્યે: ભારત Vs શ્રીલંકા

પુરુષ સેમિફાઇનલ:

રાત્રે 8:00 વાગ્યે: ભારત Vs બાંગ્લાદેશ

રાત્રે 9:00 વાગ્યે: કેન્યા Vs શ્રીલંકા