જલંધરના ઓલિમ્પિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમમાં રમાયેલી એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારતે દક્ષિણ કોરિયાને 8-0થી હરાવ્યું. આ જીત સાથે ભારતે લીગ સ્ટેજની તમામ પાંચ મેચ જીતીને 15 પોઈન્ટ મેળવ્યા અને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું.
ભારત વતી દિલપ્રીત સિંહે બે ગોલ કર્યા, જ્યારે જુગરાજ સિંહ, કેપ્ટન હરમનપ્રીત સિંહ, શિલાનંદ લાકડા, સુખજીત સિંહ, સંજય અને અંગદ બીર સિંહે એક-એક ગોલ ફટકાર્યો.
હવે 4 નવેમ્બરે સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ફરી દક્ષિણ કોરિયા સામે જ થશે.
ભારતે શરૂઆતથી આક્રમક રમત બતાવી અને પહેલી 15 મિનિટમાં જ ત્રણ ગોલ કરીને લીડ મેળવી લીધી. આઠમી મિનિટે દિલપ્રીત સિંહે જરમનપ્રીત સિંહના પાસ પર રિવર્સ હિટ લગાવીને પહેલો ગોલ કર્યો. રિવર્સ હિટમાં ખેલાડી સ્ટિકના ઊલટા ભાગથી બોલને ગોલ તરફ ફટકારે છે.
ત્રણ મિનિટ બાદ જુગરાજ સિંહે બીજો ગોલ કર્યો. દક્ષિણ કોરિયાને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ તે ગોલમાં ફેરવી શક્યું નહીં. ત્યારબાદ ભારતને વળતા હુમલાની તક મળી અને ગોલકીપર સાથે અથડાઈને પાછા ફરેલા બોલ પર જુગરાજે ગોલ કરી દીધો.
15મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને સ્કોર 3-0 કરી દીધો. બીજા ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાએ કમબેકનો પ્રયાસ કર્યો અને તેને ઘણા પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ ભારતીય ડિફેન્સે બધા રોકી દીધા. હોકીની મેચ ચાર ક્વાર્ટરમાં રમાય છે અને દરેક ક્વાર્ટર 15 મિનિટનું હોય છે.
હાફ ટાઈમ પછી ભારતે ફરી હુમલા તેજ કર્યા. 33મી મિનિટે શિલાનંદ લાકડાએ ગોલકીપર સાથે અથડાઈને પાછી આવેલી બોલને ગોલમાં પહોંચાડી. તેના પછીની જ મિનિટે સુખજીત સિંહે ખુલ્લી રમતમાં ગોલ કર્યો. 36મી મિનિટે સંજયે શાનદાર ટીમ મૂવને ગોલમાં ફેરવીને ભારતની લીડ 6-0 કરી દીધી.
40મી મિનિટે દિલપ્રીતે સંજયના શોટ પર બોલને દિશા આપીને પોતાનો બીજો ગોલ કર્યો અને ભારતે સાત ગોલની લીડ મેળવી લીધી. અંતિમ ક્વાર્ટરની 60મી મિનિટે અંગદ બીર સિંહે રિવર્સ હિટથી આઠમો ગોલ કર્યો.
ભારતે ટુર્નામેન્ટની શરૂઆત બાંગ્લાદેશને 13-0થી હરાવીને કરી હતી. ત્યારબાદ ચીનને 5-2, જાપાનને 4-1 અને મલેશિયાને 4-2થી હાર આપી. આ પાંચ મુકાબલામાં ભારતે કુલ 34 ગોલ કર્યા અને માત્ર 5 ગોલ ખાધા.
ભારત આ ટુર્નામેન્ટનું પાંચ વખતનું ચેમ્પિયન છે. તેણે 2011, 2016, 2018, 2023 અને 2024માં ખિતાબ જીત્યો હતો. 2018માં ભારત અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા રહ્યા હતા.