સત્ય. સાહસ. સંકલ્પ.

WCL 2026: યુવરાજ સિંહના 71 રન, ભારતે ઓસ્ટ્રેલિયાને 46 રનથી હરાવ્યું

WCL 2026: યુવરાજ સિંહના 71 રન, ભારતે ઓસ્ટ્રેલિયાને 46 રનથી હરાવ્યું

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL 2026)ની શનિવારે રમાયેલી મેચમાં ઇન્ડિયા ચેમ્પિયન્સે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સને 46 રનથી હરાવ્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 196 રન બનાવ્યા હતા, જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 16.2 ઓવરમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી કેપ્ટન યુવરાજ સિંહે સૌથી વધુ 71 રન ફટકાર્યા હતા. તેણે 44 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. યુસુફ પઠાણે 20 બોલમાં 1 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા, જ્યારે ઋષિ ધવને 12 બોલમાં 1 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 35 રન ફટકાર્યા હતા.

ઇનિંગની શરૂઆત કરનાર નમન ઓઝાએ 26 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુ 4 રને અને સ્ટુઅર્ટ બિન્ની 13 રને આઉટ થયા હતા. ઇરફાન પઠાણ માત્ર 1 રન બનાવી શક્યો હતો.

197 રનના લક્ષ્યાંકનો પીછો કરતી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ઉસ્માન ખ્વાજા ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો, જ્યારે બેન ડંકે 6 રન બનાવ્યા હતા. ડાર્સી શોર્ટે 28 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 65 રન તથા જો બર્ન્સે 32 બોલમાં 4 છગ્ગા સાથે 45 રન બનાવ્યા હતા. બંનેએ 9મી ઓવરમાં ટીમનો સ્કોર 100 રન પાર પહોંચાડ્યો હતો.

આ બંને બેટ્સમેન આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ ઝડપથી પડી ભાંગી હતી. કેલમ ફર્ગ્યુસન 0, જોનાથન વેલ્સ 11, નાથન કુલ્ટર-નાઇલ 0, કેન રિચાર્ડસન 4, બેન હેલ્ફેનહાઉસ 1 અને ફવાદ અહેમદ 0 રને આઉટ થયા હતા.

ભારત તરફથી ધવલ કુલકર્ણીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. મોહિત શર્માએ 3 વિકેટ લીધી હતી, જ્યારે પીયુષ ચાવલાને 2 અને હરભજન સિંહને 1 વિકેટ મળી હતી.

ઉલ્લેખનીય છે કે WCL 2026 એ નિવૃત્ત થયેલા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ટૂર્નામેન્ટ છે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોની ટીમો ભાગ લે છે. ગયા વર્ષે રમાયેલી આ ટૂર્નામેન્ટની પ્રથમ આવૃત્તિમાં ભારત ચેમ્પિયન બન્યું હતું.