વુમન્સ એશિયા કપની પહેલી સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.
ભારતની શરૂઆત ખરાબ રહી. ટીમ ઇન્ડિયાએ બીજી જ ઓવરમાં પહેલો વિકેટ ગુમાવ્યો. સ્મૃતિ મંધાના 5 બોલમાં 2 રન બનાવીને સુલતાના ખાતુનના બોલ પર શોર્ના અખ્તરના હાથે કેચ આઉટ થઈ. સતત બીજી મેચમાં તે સસ્તામાં આઉટ થઈ છે. હાલ ટીમ ઇન્ડિયાનો સ્કોર 20 રનમાં 1 વિકેટ છે. શેફાલી વર્મા અને પ્રતિકા રાવલ ક્રિઝ પર છે.
મેચ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે તે પણ પહેલા બેટિંગ કરવા ઇચ્છતી હતી. તેમણે કહ્યું કે સ્કોર બોર્ડ પર રન હોવાથી આત્મવિશ્વાસ વધશે અને T20માં કોઈ પણ ટીમને હળવાશથી લઈ શકાય નહીં. પીચ અંગે તેમણે જણાવ્યું કે પાવરપ્લેમાં બેટિંગ કર્યા પછી જ ખબર પડશે કે કેટલો મોટો સ્કોર બની શકે છે.
ભારત ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. ગ્રુપ-Aમાં ત્રણેય મેચ જીતીને 6 પોઈન્ટ સાથે ટોચ પર છે. ટીમે થાઈલેન્ડને 94 રનથી, હોંગકોંગને 137 રનથી અને પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. બીજી તરફ બાંગ્લાદેશ ગ્રુપ-Bમાં 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યું છે. તેણે ઇન્ડોનેશિયાને 71 રન અને UAEને 34 રનથી હરાવ્યું, જ્યારે શ્રીલંકા સામે 4 વિકેટે હાર મળી.
ભારત છેલ્લી 8 વુમન્સ T20 ઇન્ટરનેશનલ મેચમાં બાંગ્લાદેશ સામે અજેય છે. બાંગ્લાદેશે છેલ્લે 13 જુલાઈ 2023ના રોજ ભારતને હરાવ્યું હતું. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 24 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 21 જીતી છે.
ટુર્નામેન્ટમાં સ્મૃતિ મંધાના સારા ફોર્મમાં હતી. તેણે 3 મેચમાં 178.82ની સ્ટ્રાઈક રેટથી 152 રન બનાવ્યા હતા, જેમાં હોંગકોંગ સામે 124 રનની સદી પણ સામેલ છે. શેફાલી વર્માએ પણ 3 મેચમાં 104 રન બનાવ્યા છે. બોલિંગમાં દીપ્તિ શર્માએ 1.90ની ઇકોનોમીથી 8 વિકેટ લીધી છે. નંદની શર્મા અને પ્રેમા રાવતે 5-5 વિકેટ લીધી છે.
બાંગ્લાદેશ તરફથી શોભના મોસ્તારીએ 86.52ની સ્ટ્રાઈક રેટથી 77 રન બનાવ્યા છે. બોલિંગમાં મારુફા અખ્તરે 8 વિકેટ લીધી છે.
ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં દુબઈમાં અત્યાર સુધી 12 મેચ રમાઈ છે. તેમાંથી માત્ર ભારત જ 150થી વધુનો સ્કોર બનાવી શક્યું છે અને તેણે આ આંકડો બે વખત પાર કર્યો છે. પાવરપ્લેમાં ઝડપથી રન બન્યા છે, પરંતુ છેલ્લી ઓવરોમાં રન બનાવવાની ગતિ ઘટી છે. ગરમી અને ભેજને કારણે પિચ સ્પિનરોને મદદરૂપ રહી છે. 12માંથી 8 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે, અને 9 વખત ટૉસ જીતનારા કેપ્ટને પહેલા બોલિંગ પસંદ કરી છે. મેચ દરમિયાન તાપમાન 34-35°C આસપાસ રહેવાની ધારણા છે.