એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ સ્પર્ધામાં આજે સેમિફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મુકાબલો સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમ આજે જીતશે તો 22 સપ્ટેમ્બરે ગોલ્ડ મેડલની મેચ રમશે.
ટી-20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 25 મેચ થઈ છે. જેમાં ભારતે 22 મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશને માત્ર 3 મેચમાં જીત મળી છે. બાંગ્લાદેશને ભારત સામે છેલ્લી જીત જુલાઈ 2023માં મળી હતી. ત્યાર બાદ ભારતે સતત 9 મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે.
ભારત તરફથી આ વર્ષે શેફાલી વર્માએ સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 22 મેચમાં 158.18ના સ્ટ્રાઇક રેટથી 715 રન બનાવ્યા છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં તેણે જાપાન સામે 15 બોલમાં 40 રનની અણનમ ઇનિંગ રમી હતી. બોલિંગમાં શ્રી ચરણીએ સૌથી વધુ 43 વિકેટ લીધી છે. તેણે 21 મેચમાં 5.92ની ઇકોનોમીથી રન આપ્યા છે. જાપાન સામે તેણે 4 ઓવરમાં 10 રન આપીને 4 વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશની સોભના મોસ્તરીએ આ વર્ષે 23 મેચમાં 568 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 59 રન રહ્યો છે. બોલિંગમાં મારુફા અક્તરે 20 મેચમાં 24 વિકેટ લીધી છે અને તેની ઇકોનોમી 6.49 રહી છે. તેણે છેલ્લી 6 ટી-20 મેચમાં દરેક મેચમાં ઓછામાં ઓછી એક વિકેટ લીધી છે.
બાંગ્લાદેશની બેટિંગ માટે ડોટ બોલ મોટી સમસ્યા બની રહ્યો છે. એશિયા કપની સેમિફાઇનલમાં ટીમે ભારત સામે 64 બોલમાં એક પણ રન બનાવ્યો ન હતો. આ મેચ ભારતે 40 રનથી જીતી હતી.
સંભવિત ભારતીય ટીમ: હરમનપ્રીત કૌર (કપ્તાન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જી કમાલિની, રિચા ઘોષ (વિકેટકીપર), ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, શ્રેયાંકા પાટીલ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, નંદની શર્મા.
સંભવિત બાંગ્લાદેશ ટીમ: નિગાર સુલ્તાના (કપ્તાન/વિકેટકીપર), દિલારા અક્તર, જુએરિયા ફર્ડૂસ, સોભના મોસ્તરી, શર્મિન અક્તર, શોર્ના અક્તર, ફહીમા ખાતૂન, નાહિદા અક્તર, રાબેયા ખાન, સુલ્તાના ખાતૂન, મારૂફા અક્તર.