કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પશુઓમાં વપરાતી બે એન્ટીબાયોટિક દવાઓ પર પ્રતિબંધ મૂકવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ દવાઓ છે ‘કાબીક્સીપેનિસિલિન્સ’ અને ‘ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ’. તેમના ફોર્મ્યુલેશન પર પણ પ્રતિબંધનો પ્રસ્તાવ છે.
મંત્રાલયના જણાવ્યા મુજબ, આ દવાઓનો પશુઓમાં અતિશય કે બિનજરૂરી વપરાશ માણસો માટે ગંભીર જોખમ ઊભું કરે છે. દવાઓ પશુઓમાં ‘એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ’ વધારે છે. એટલે કે, બેક્ટેરિયા આ દવાઓ સામે ટકી રહેવાની ક્ષમતા કેળવી લે છે. આ પ્રકારના બેક્ટેરિયા પછી દૂધ અને માંસ દ્વારા માણસોના શરીરમાં પ્રવેશે તો ચેપની સારવાર મુશ્કેલ બની જાય છે.
આ નિર્ણય વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ભલામણોને અનુરૂપ છે. WHOએ આ બંને દવાઓને માનવ આરોગ્ય માટે અત્યંત મહત્ત્વની શ્રેણીમાં મૂકી છે. સંસ્થાની ભલામણ છે કે આ દવાઓનો ઉપયોગ પશુઓમાં ફક્ત અત્યંત ગંભીર સંજોગોમાં જ થવો જોઈએ.
પશુઓમાં આ દવાઓ કઈ રીતે વપરાય છે? કાબીક્સીપેનિસિલિન્સ ખાસ કરીને ઈ-કોલી બેક્ટેરિયાના આક્રમણમાં, દૂધાળા પશુઓના આંચળ પર સોજો (માસ્લાસિસ) આવે ત્યારે અને શ્વાસનળીના રોગોની સારવાર માટે વપરાય છે. ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ જટિલ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને આંતરડાના ગંભીર ચેપની સારવારમાં ઉપયોગમાં લેવાય છે.
સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આ દવાઓ બિનજરૂરી રીતે વપરાય. તેનાથી પશુના પેટમાં રહેતા સ્વાસ્થ્ય માટે ઉપયોગી બેક્ટેરિયા નાશ પામે છે અને પશુમાં એન્ટીબાયોટિક સામે પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે.
આ દવાઓના અંશ પશુના શરીરમાં તથા માંસ અને દૂધમાં ચોક્કસ સમય સુધી રહી જાય છે. જો આ દૂધ યોગ્ય કાળજી કે પ્રોસેસિંગ વગર માણસો વાપરે, તો દવાના અવશેષો શરીરમાં પ્રવેશે છે. તેનાથી માણસના શરીરના બેક્ટેરિયા પણ આ દવાઓ સામે પ્રતિકારક બની જાય છે. ભવિષ્યમાં ગંભીર ચેપ લાગે ત્યારે સામાન્ય એન્ટીબાયોટિક્સ અસર કરતી નથી અને દર્દીને સાજા કરવા અઘરા બની જાય છે.
પેનિસિલિન જૂથની દવાઓના અંશવાળું દૂધ પીવાથી સંવેદનશીલ લોકોમાં ત્વચા પર લાલ ચકામા, શ્વાસ લેવામાં તકલીફ કે એનાફિલેક્સિસ જેવી ગંભીર એલર્જી પણ થઈ શકે છે.
WHOના જણાવ્યા અનુસાર, સતત ઓછી માત્રામાં આ દવાઓ શરીરમાં જવાથી આંતરડાના ઉપયોગી બેક્ટેરિયા નાશ પામે છે, જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ ઊભી થાય છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 23 સપ્ટેમ્બરે મંત્રાલયે પશુઓમાં 34 એન્ટીમાઈક્રોબાયલ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. યુરોપિયન યુનિયનના દેશો દ્વારા લેવાયેલા પગલાં બાદ આ નવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.