સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026માં ભારતને બીજો ગોલ્ડ, કુલ 19 મેડલ

એશિયન ગેમ્સ 2026માં ભારતને બીજો ગોલ્ડ, કુલ 19 મેડલ

એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું સારું પ્રદર્શન ચાલુ છે. 25 સપ્ટેમ્બરે ભારતે શૂટિંગમાં એક સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે ટેબલ ટેનિસ અને સ્ક્વોશમાં પણ મેડલ નિશ્ચિત કરી લીધા છે. ભારતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ મળીને કુલ 19 મેડલ જીત્યા છે.

શૂટિંગમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટના ફાઇનલમાં કમલજીત અને સુરૂચિ સિંહની જોડીએ 484.6 પોઇન્ટ સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમણે દક્ષિણ કોરિયાની જોડીને 6.6 પોઇન્ટથી હરાવી. આ ભારતનો બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 148 રનથી હરાવીને દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો.

એથ્લેટિક્સમાં ભારતને બે મેડલ મળ્યા. વિશાલ ટીકે, પૂવમ્મા, મનુ અને વિથ્યા રામરાજનની ટીમે 3:14.46 સમય સાથે મિક્સ્ડ રિલેમાં સિલ્વર જીત્યો. 10,000 મીટર દોડમાં સીમાએ 32:50.05 સમય સાથે બ્રોન્ઝ મેળવ્યો.

શૂટિંગમાં મિક્સ્ડ ટીમ સ્કીટમાં અનંતજીત નરુકા અને પરિનાજ ધાલીવાલે બ્રોન્ઝ જીત્યો. પુરુષો અને મહિલાઓની સ્કીટ ટીમોએ પણ બ્રોન્ઝ મેળવ્યા. 10 મીટર એર રાઇફલમાં હિમાંશુ ઢિલ્લોને સિલ્વર અને રુદ્રાંક્ષ પાટિલે બ્રોન્ઝ જીત્યો.

વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ 198 કિગ્રા વજન ઊંચકીને પોતાનો પ્રથમ એશિયાર્ડ મેડલ (બ્રોન્ઝ) મેળવ્યો. વુશુમાં રોશિબિના દેવીએ મહિલાઓની સિંડા 60 કિગ્રા કેટેગરીમાં સિલ્વર જીત્યો.

રોઇંગમાં પુરુષોની ડબલ્સ સ્કલ્સમાં સતનામ સિંહ અને સલમાન ખાને બ્રોન્ઝ જીત્યો. ટ્રેડિશનલ 60 કિગ્રા એમએમએમાં સુચિકા તારિયાલે બ્રોન્ઝ મેળવ્યો.

ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સમાં દિયા ચિતલે અને માનુષ શાહની જોડીએ સેમિફાઇનલમાં પ્રવેશ કરીને મેડલ નિશ્ચિત કર્યો. સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં જોશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમારે સેમિફાઇનલમાં પહોંચીને ભારત માટે વધુ એક મેડલ પાકો કર્યો.