સત્ય. સાહસ. સંકલ્પ.

બેંગલુરુની કંપનીએ બનાવ્યો 'પ્રજ્ઞા', કૃત્રિમ સૂર્યમાં પહેલી વખત પ્લાઝ્માનું સર્જન

બેંગલુરુની કંપનીએ બનાવ્યો 'પ્રજ્ઞા', કૃત્રિમ સૂર્યમાં પહેલી વખત પ્લાઝ્માનું સર્જન

બેંગલુરુ સ્થિત ખાનગી ફ્યુઝન સંશોધન કંપની પ્રમોસ ફ્યુઝને કૃત્રિમ સૂર્ય બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. કંપનીએ 'પ્રજ્ઞા' નામના પોતાના ટોકામક મશીનમાં પહેલી વખત પ્લાઝ્માનું સર્જન કરવામાં સફળતા મેળવી છે.

ભારતીય સંશોધકોએ લગભગ આઠ મહિનાની મહેનત બાદ આ ટોકામક મશીન બનાવ્યું છે. 40 સેન્ટિમીટરની ત્રિજ્યા ધરાવતા આ મશીનનો ઉપયોગ પ્લાઝ્માને નિયંત્રિત કરવા માટે થાય છે. આ પ્રયોગમાં ગેસને એટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે કે તે પ્લાઝ્મામાં ફેરવાઈ જાય છે. લાવા જેવું ગરમ આ પ્લાઝ્મા ચુંબકીય બળની મદદથી નિયંત્રિત થાય છે.

અત્યારે 'પ્રજ્ઞા'નો હેતુ વીજળી ઉત્પાદન કરવાનો નથી. હાલમાં ફક્ત પરીક્ષણો થશે. કંપનીની યોજના મુજબ, આ પ્રોજેક્ટ બે દાયકા સુધી ચાલશે અને દર વર્ષે 3,000 પ્લાઝ્મા શોટ લેવાનો લક્ષ્યાંક છે. એટલે કે દરરોજ 10થી 12 વખત પ્લાઝ્મા તૈયાર કરવામાં આવશે. આનાથી દેશમાં ફ્યુઝન રિએક્ટરના નિર્માણનો માર્ગ મોકળો થશે.

કંપનીના જણાવ્યા અનુસાર, 2027 સુધીમાં એક મેગ્નેટ રિએક્ટર બનાવી લેવામાં આવશે. ત્યારબાદ 2030 સુધીમાં નેટ એનર્જી ગેઇન રિએક્ટર બનાવવાનું લક્ષ્ય છે. નેટ એનર્જી ગેઇન રિએક્ટર એટલે એવું રિએક્ટર જેમાં ફ્યુઝનથી મળતી ઊર્જા એને બનાવવા પાછળ વપરાયેલી ઊર્જા કરતાં વધારે હોય. આ રીતે વધેલી ઊર્જાનો ઉપયોગ અન્ય મશીનો ચલાવવામાં થઈ શકે છે.