નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 100% ઇથેનોલ (E100) ઇંધણના ઉપયોગને મંજૂરી આપી છે. જોકે, આ ઇંધણનો ઉપયોગ ફક્ત એવા વાહનોમાં જ થઈ શકશે જે ખાસ આ ઇંધણ માટે ડિઝાઇન કરાયેલા હોય. સરકારના આ નિર્ણયથી ફ્લેક્સ-ફ્યૂલ વાહનોના પરીક્ષણ અને તેને રસ્તા પર ઉતારવાનો માર્ગ મોકળો થયો છે.
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સુધારો કરીને આ મંજૂરી આપવામાં આવી છે. નવા નોટિફિકેશન હેઠળ ઉત્સર્જન માનકોમાં E85 ઇંધણની સાથે E100નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગેના 9 સવાલ-જવાબ નીચે મુજબ છે:
1. સરકારે શું નવો નિર્ણય લીધો છે?
કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં ફેરફાર કરીને 100% ઇથેનોલ એટલે કે E100 ફ્યૂલથી ચાલતી ગાડીઓને મંજૂરી આપી છે. નવા નોટિફિકેશન હેઠળ એમિશન પ્રોવિઝનમાં E85 ફ્યૂલની સાથે હવે E100ને પણ સામેલ કરવામાં આવ્યું છે.
2. E100 ફ્યુઅલ શું છે અને કેવી રીતે બને છે?
E100 એટલે 100% શુદ્ધ ઇથેનોલ ફ્યુઅલ. ઇથેનોલ મુખ્યત્વે છોડ અને જૈવિક સ્ત્રોતો જેમ કે શેરડી અને મકાઈમાંથી તૈયાર કરાતું બાયોફ્યુલ છે. તેમાં પેટ્રોલની ભેળસેળ હોતી નથી.
3. શું હાલના કાર માલિકો પોતાની ગાડીમાં E100 કે E85 ફ્યુઅલ વાપરી શકે?
ના. સરકારે સ્પષ્ટ કર્યું છે કે E20 પેટ્રોલ અથવા સામાન્ય પેટ્રોલ પર ચાલતી ગાડીઓ E85 કે E100 ફ્યુઅલ પર ચાલી શકતી નથી. આ ફ્યુઅલનો ઉપયોગ ફક્ત એવી ગાડીઓમાં જ થઈ શકે જે આ માટે ખાસ ડિઝાઇન અને પ્રમાણિત કરાયેલી હોય.
4. નવા નિયમની હાલના કાર માલિકો પર શું અસર પડશે?
હાલના વાહન માલિકો પર તેની કોઈ અસર પડશે નહીં. તેમને પોતાની હાલની કારોને E85 કે E100 ઇંધણ પર ફેરવવાની કે વાહનમાં કોઈ ફેરફાર કરાવવાની જરૂર નથી.
5. શું ભવિષ્યમાં સામાન્ય પેટ્રોલ કાર બંધ થઈ જશે કે આ ફરજિયાત છે?
ના, વર્તમાન અને ભવિષ્ય બંને માટે આ સંપૂર્ણપણે વૈકલ્પિક વ્યવસ્થા છે. પેટ્રોલ વાહનોની સાથે આ એક નવો વિકલ્પ રહેશે.
6. ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી શું છે અને કેવી રીતે કામ કરે છે?
ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજીથી સજ્જ વાહનોમાં એક જ ઇંધણ ટાંકી હોય છે. આ ટેક્નોલોજી એન્જિનને એક જ ટાંકીમાં અલગ-અલગ પ્રમાણમાં ઇથેનોલ અને પેટ્રોલના મિશ્રણ (E85થી E100 સુધી) પર સરળતાથી ચલાવવાની સુવિધા આપે છે.
7. E100 વાહનો કોણ ખરીદી કે ચલાવી શકશે?
E85 અને E100 ઇંધણવાળી ગાડીઓ ફક્ત તે જ લોકો ચલાવી શકશે જેઓ કાર કંપનીઓ (OEMs) દ્વારા ખાસ આ ઇંધણ માટે ડિઝાઇન અને પ્રમાણિત કરાયેલી નવી ગાડીઓ ખરીદશે.
8. 100% ઇથેનોલ ઇંધણના ઉપયોગથી દેશને શું ફાયદા થશે?
સરકારે બે ફાયદા જણાવ્યા છે: (1) પ્રદૂષણમાં ઘટાડો – પરંપરાગત પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલનું ફોસિલ કાર્બન ફૂટપ્રિન્ટ ઘણું ઓછું હોય છે. તેના ઉપયોગથી વાહનોના એક્ઝોસ્ટમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડ (CO) અને હાઇડ્રોકાર્બન ઉત્સર્જનમાં ભારે ઘટાડો થશે. (2) આયાત પરની નિર્ભરતા ઓછી – ઇથેનોલનો ઉપયોગ વધવાથી ભારતની કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની આયાત પરની નિર્ભરતા ઘણી હદ સુધી ઘટશે, જેનાથી વિદેશી ચલણની બચત થશે.
9. શું દુનિયાના અન્ય દેશોમાં પણ આ ટેક્નોલોજી વપરાય છે?
હા, અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી ધરાવતા વાહનોનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે, જ્યાં ઇથેનોલ મિશ્રિત ઇંધણ ખૂબ લોકપ્રિય છે.