કેન્દ્ર સરકાર દેશના 11 એરપોર્ટના ખાનગીકરણની તૈયારી કરી રહી છે. આ એરપોર્ટમાં વારાણસી, અમૃતસર, રાયપુર, ભુવનેશ્વર અને તિરુચિરાપલ્લી જેવા મહત્વના એરપોર્ટનો સમાવેશ થાય છે. સરકારનો ઉદ્દેશ્ય એવિએશન ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરવાનો અને મોટા પાયે આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષવાનો છે.
એરપોર્ટ ખાનગીકરણની બિડિંગ પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની ધારણા છે. સરકારનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2027ના અંત સુધીમાં તમામ ડીલ પૂર્ણ કરવાનું છે.
પ્રથમ વખત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા એરપોર્ટને અલગ-અલગ વેચવાને બદલે પાંચ જૂથોમાં 'બંડલ' સ્વરૂપે રજૂ કરવામાં આવશે. આ બંડલમાં નાના અને પ્રાદેશિક એરપોર્ટને મોટા એરપોર્ટ સાથે જોડીને 50 વર્ષના લીઝ પર આપવામાં આવશે. જેમ કે, વારાણસી સાથે ગયા અને કુશીનગર, અમૃતસર સાથે કાંગડા, ભુવનેશ્વર સાથે હુબલી, રાયપુર સાથે ઔરંગાબાદ અને તિરુચિરાપલ્લી સાથે તિરુપતિ એરપોર્ટને જોડવામાં આવ્યા છે.
આ પગલાનો હેતુ એ છે કે ખાનગી ઓપરેટરો માત્ર નફાકારક મોટા એરપોર્ટ પર ધ્યાન ન આપે, પરંતુ નાના અને તીર્થસ્થળો સાથે જોડાયેલા પ્રાદેશિક એરપોર્ટના વિકાસ અને સંચાલનની જવાબદારી પણ ઉપાડે.
એકાધિકાર ટાળવા માટે સરકારે બિડિંગ નિયમોમાં મહત્વનો સુધારો કર્યો છે. એક જ બિડર અથવા કંપની વધુમાં વધુ કેટલા એરપોર્ટ કે બંડલ માટે બોલી લગાવી શકશે તેની મર્યાદા નક્કી કરવામાં આવી છે. હાલમાં અદાણી ગ્રૂપ સૌથી મોટું ખાનગી એરપોર્ટ ઓપરેટર છે અને જીએમઆર ગ્રૂપ દિલ્હી અને હૈદરાબાદ જેવા એરપોર્ટ ચલાવે છે. નવી શરતથી સેક્ટરમાં સ્વસ્થ સ્પર્ધા જળવાઈ રહેશે.
સંભવિત રોકાણકારોને નવી બંડલિંગ પ્રણાલી સમજાવવા અને તેમનો અભિપ્રાય મેળવવા માટે સરકાર મુંબઈ, દુબઈ અને સિંગાપોરમાં પ્રમોશનલ રોડ-શોનું આયોજન કરશે. જેથી વૈશ્વિક ફંડ્સ અને રોકાણકારોની ભાગીદારી વધે.
સરકારને આશા છે કે હાલના ઓપરેટરો ઉપરાંત પશ્ચિમ એશિયાના સોવેરિન વેલ્થ ફંડ્સ અને ભારતીય કોર્પોરેટ જૂથો જેમ કે જેએસડબલ્યુ (JSW) પણ એરપોર્ટ ખરીદીમાં રસ દાખવશે.