દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. આ સાથે ભારતે અફઘાનિસ્તાન સામે સતત 10મી T20 મેચ જીતી લીધી, જે કોઈ એક ટીમ સામે ભારતનો સતત સૌથી વધુ T20 જીતનો રેકોર્ડ છે.
મેચમાં અડધી સદી ફટકારનાર ભારતીય ઓપનર સંજુ સેમસન T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓપનર તરીકે 1,000 રન પૂરા કરનાર પાંચમા ભારતીય બેટર બન્યા છે. તેમના નામે હવે 1,026 રન છે. આ યાદીમાં રોહિત શર્મા 3,750 રન સાથે પ્રથમ સ્થાને છે.
અફઘાનિસ્તાને આ મેચમાં એક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાવ્યો. ભારત સામે 2010થી 2026 વચ્ચે સતત 10 T20 મેચ હારીને તે સૌથી વધુ સતત હારનારી ટીમ બની ગઈ છે.
અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ T20 આંતરરાષ્ટ્રીયમાં 2,500થી વધુ રન અને 100થી વધુ વિકેટ લેનાર ચોથા ખેલાડી તરીકેની સિદ્ધિ મેળવી. તે આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ અફઘાની ક્રિકેટર છે. તેમના નામે 2,501 રન અને 111 વિકેટ છે.
મેચની કેટલીક યાદગાર ક્ષણો:
જસપ્રીત બુમરાહે પહેલી ઓવર મેડન નાખી. તેમણે એક પણ રન આપ્યો નહીં. સ્ટ્રાઈક પર રહેલા ઇબ્રાહિમ ઝાદરાન પહેલી બોલ પર સંપૂર્ણપણે બીટ થઈ ગયા. છેલ્લા બોલ પર બુમરાહે યોર્કર નાખ્યો, જેના પર ઝાદરાન માત્ર બેટ લગાવી શક્યા. બુમરાહે 25 રન આપીને 1 વિકેટ લીધી.
અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટર રહેમાનુલ્લાહ ગુરબાઝ સતત બીજી મેચમાં શૂન્ય રન પર આઉટ થયા. બીજી ઓવરમાં અર્શદીપ સિંહે તેમને કેચ આઉટ કરાવ્યા. અર્શદીપે ઓવરનો ત્રીજો બોલ ધીમો અને શોર્ટ લેન્થનો નાખ્યો. ગુરબાઝે ફ્લેટ-બેટ શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટોપ-એજ લાગી અને બોલ મિડ-ઓન તરફ ગયો. ત્યાં ઉભેલા રવિ બિશ્નોઈએ સરળ કેચ પૂરો કર્યો. ગુરબાઝ માત્ર 3 બોલ રમી શક્યા. છેલ્લી મેચમાં પણ તેઓ 2 બોલ પર રન બનાવ્યા વિના આઉટ થયા હતા.
નવમી ઓવરમાં નીતિશ કુમાર રેડ્ડીએ પોતાની પહેલી જ બોલ પર ઇબ્રાહિમ ઝાદરાનને આઉટ કર્યો. તેમની શોર્ટ ઓફ લેન્થ બોલ પર ઝાદરાને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ ડીપ મિડ-વિકેટ તરફ ગયો. ત્યાં ઉભેલા રવિ બિશ્નોઈએ બાઉન્ડ્રી પાસે શાનદાર કેચ પકડ્યો. ઝાદરાન 33 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો. નીતિશે 3 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ લીધી.
મુજીબ ઉર રહેમાનની પહેલી ઓવરમાં અભિષેક શર્માએ બીજી અને ત્રીજી બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ઓફ-સ્ટમ્પની બહારની બોલ પર તેમણે બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો. તેની પછીની જ બોલ પર તેણે પોઈન્ટ પર બોલને ચાર રન માટે મોકલી દીધો. આ ઓવરમાં 12 રન બન્યા.
છઠ્ઠી ઓવરમાં મોહમ્મદ નબીની બોલ પર 3 છગ્ગા અને 2 ચોગ્ગા લાગ્યા. આ ઓવરમાં કુલ 27 રન બન્યા. અભિષેકે પ્રથમ બોલ પર 93 મીટરનો છગ્ગો ફટકાર્યો. બીજી બોલ પર સિંગલ આવ્યો. ત્યાર બાદ સંજુ સેમસને ત્રીજી બોલ પર છગ્ગો, પછી સતત 2 ચોગ્ગા અને છેલ્લી બોલ પર છગ્ગો ફટકાર્યો. સેમસને 22 બોલમાં 57 રન બનાવ્યા. અભિષેકે 19 બોલમાં 39 રનની ઇનિંગ રમી. બંનેએ 4-4 છગ્ગા ફટકાર્યા.
રાશિદ ખાનની એક ઓવરમાં 17 રન બન્યા, પરંતુ 2 વિકેટ પણ પડી. રાશિદની ઓવરના પહેલા બોલ પર અભિષેકે છગ્ગો ફટકાર્યો, પરંતુ આગલા જ બોલ પર સેદીકુલ્લાહ અટલને કેચ આપી બેઠા. આ જ ઓવરના પાંચમા બોલ પર સેમસને પણ છગ્ગો ફટકાર્યો, પરંતુ આગલા જ બોલ પર મોહમ્મદ નબીએ બાઉન્ડ્રી લાઇન પર કેચ પકડી લીધો. રાશિદે 3.5 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી.
11મી ઓવરમાં ઇબ્રાહિમ ઝાદરાને ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરનો શાનદાર કેચ પકડ્યો.