ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ T20 મેચોની શ્રેણીના પ્રથમ મુકાબલા પહેલાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સમક્ષ એક મોટો પ્રશ્ન છે: ઇનિંગની શરૂઆત કોણ કરશે? ઓપનિંગના બે સ્લોટ માટે ત્રણ મજબૂત દાવેદારો હોવાથી અંતિમ પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી મુશ્કેલ બની ગઈ છે.
અભિષેક શર્મા હાલમાં T20 ફોર્મેટમાં સૌથી આક્રમક ઓપનર માનવામાં આવે છે. તે ટીમની ભાવિ યોજનાનો મહત્વનો ભાગ છે, એટલે તેને બહાર બેસાડવો સહેલો નથી. સંજુ સેમસન અનુભવી અને મેચ વિનર છે, પરંતુ ઇંગ્લેન્ડ પ્રવાસમાં નિષ્ફળ રહેતાં તેને બહાર કાઢવામાં આવ્યો હતો. હવે તેની વાપસી થઈ છે ત્યારે સિનિયર ખેલાડીને બેન્ચ પર રાખવો યોગ્ય ગણાશે નહીં. વૈભવ સૂર્યવંશી નામનો યુવા ખેલાડી પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી મેનેજમેન્ટ સમક્ષ એટલો મજબૂત દાવો રજૂ કરી ચૂક્યો છે કે તેને અવગણી શકાય તેમ નથી.
વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન જોતાં આ મૂંઝવણ સમજી શકાય છે. IPL 2026માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતાં તેણે 16 મેચમાં 237.30ના સ્ટ્રાઇક રેટથી 776 રન બનાવ્યા હતા, જેમાં 37 બોલમાં તોફાની સદીનો સમાવેશ થાય છે. ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ તેણે ત્રણ મેચમાં 151 રન ઝડપ્યા હતા અને 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો ખિતાબ જીત્યો હતો. દુલીપ ટ્રોફીમાં તેણે કેપ્ટનશિપ પણ સફળતાપૂર્વક સંભાળી છે.
ટીમની વાસ્તવિક સમસ્યા એ છે કે જો અભિષેક અને વૈભવ ઓપનિંગ કરે, તો સંજુ સેમસનને ક્યાં રમાડવો? મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐયર, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ અને ઇશાન કિશન જેવા ખેલાડીઓ પહેલેથી નિશ્ચિત છે. કોઈ ઓપનરને નીચલા ક્રમે એડજસ્ટ કરવાનો વિકલ્પ પણ નથી. શ્રેણી દિલ્હીમાં 13, 15 અને 17 સપ્ટેમ્બરે રમાશે. શ્રેયસ ઐયર કેપ્ટન અને તિલક વર્મા વાઇસ-કેપ્ટન હશે. પ્રથમ મેચમાં ગંભીર કયું ઓપનિંગ કોમ્બિનેશન પસંદ કરે છે તેના પર સૌની નજર રહેશે.