સત્ય. સાહસ. સંકલ્પ.

BRICS સંમેલન વચ્ચે ભારત-અફઘાનિસ્તાન T20 મેચ 13 સપ્ટેમ્બરે જ યોજાશે: DDCAની સ્પષ્ટતા

BRICS સંમેલન વચ્ચે ભારત-અફઘાનિસ્તાન T20 મેચ 13 સપ્ટેમ્બરે જ યોજાશે: DDCAની સ્પષ્ટતા

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ 13 સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે નિર્ધારિત સમયે જ રમાશે. BRICS સંમેલનના કારણે મેચની તારીખ બદલવાની અટકળો ઊભી થઈ હતી, પરંતુ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું આશ્વાસન મળતા આ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.

દિલ્હી ટ્રાફિક પોલીસે DDCAને પત્ર લખીને મેચ રિશિડ્યૂલ કરવા વિનંતી કરી હતી. પોલીસના DCPએ જણાવ્યું હતું કે BRICS સંમેલન દરમિયાન VVIP મૂવમેન્ટ અને રૂટ ડાયવર્ઝન વચ્ચે સ્ટેડિયમમાં મેચ જોવા આવતા 20,000થી 25,000 દર્શકોની ભીડ તથા સુરક્ષા વ્યવસ્થા એકસાથે સંભાળવી પડકારજનક બની શકે છે. જોકે, ટ્રાફિક પોલીસ સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ DDCAને સુરક્ષા અને સુગમ ટ્રાફિક વ્યવસ્થાનું સંપૂર્ણ આશ્વાસન મળ્યું, જેથી મેચ તેના નિર્ધારિત સમયે જ રમાશે.

રાજધાની દિલ્હીમાં 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન BRICS શિખર સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં વિશ્વના અનેક દેશોના વડાઓ, વિદેશી પ્રતિનિધિઓ અને VVIP મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી 13 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે, બીજી મેચ 15 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે યોજાશે. આ તમામ મુકાબલા ભારતમાં રમાઈ રહ્યા હોવા છતાં તેનું સત્તાવાર યજમાન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ છે.

આ સીરિઝ માટે ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ ઐયર કરશે અને તિલક વર્મા વાઇસ-કેપ્ટન રહેશે. ટીમમાં અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઇશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને યશ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.