ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક સાથે બે શ્રેણીની મજા માણવાનો સમય આવી ગયો છે. 6 ઓક્ટોબરથી ભારતની મુખ્ય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે T20 શ્રેણી રમશે, ત્યારે તે જ દિવસથી ઈન્ડિયા A ટીમ ઓસ્ટ્રેલિયા A સામે વનડે શ્રેણીની શરૂઆત કરશે. રુતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ઈન્ડિયા A પોતાની પહેલી મેચ રમશે, પરંતુ શ્રેણી શરૂ થાય તે પહેલા જ ટીમને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
હાર્દિક પંડ્યાનો આ વનડે શ્રેણી માટે ઈન્ડિયા A ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર, હાર્દિક હજુ સંપૂર્ણ મેચ-ફિટનેસ મેળવી શક્યો નથી, જેના કારણે તેને શ્રેણીમાંથી ખસી જવું પડ્યું છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સના નિષ્ણાતો માને છે કે હાર્દિકને સંપૂર્ણપણે સાજા થવામાં અને મેદાન પર પરત ફરવામાં હજુ થોડો સમય લાગી શકે છે. આ વિલંબને કારણે આગામી ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં પણ તેના રમવાની શક્યતાઓ ઘટી ગઈ છે.
હાર્દિકની ગેરહાજરીમાં યુવા ખેલાડી સૂર્યાંશ શેડગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ શ્રેણી યુવા ખેલાડીઓ માટે પોતાની જાતને સાબિત કરવાની ઉત્તમ તક બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા A ટીમ 22 સપ્ટેમ્બરથી ભારતના પ્રવાસે છે. વનડે શ્રેણી પહેલા બંને ટીમો વચ્ચે બે બિનસત્તાવાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 1-0થી જીત નોંધાવી હતી. ઈન્ડિયા Aએ પહેલી ટેસ્ટ 162 રનના મોટા અંતરથી જીતી હતી, જ્યારે બીજી મેચ ડ્રોમાં પરિણમી હતી.
હવે રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ટીમનું લક્ષ્ય વનડે શ્રેણી પણ જીતવાનું રહેશે. ટીમમાં રજત પાટીદાર, દેવદત્ત પડિક્કલ અને સાઈ સુદર્શન જેવા પ્રતિભાશીલ ખેલાડીઓનો સમાવેશ થાય છે, જે બેટિંગ ક્રમને મજબૂતી આપશે.
બંને ટીમો વચ્ચે કુલ ત્રણ વનડે મેચ રમાશે. આ તમામ મેચો પુડુચેરીના CAPS ગ્રાઉન્ડ પર રમાવાની છે.
6 ઓક્ટોબર: પ્રથમ ODI - ઈન્ડિયા A vs ઓસ્ટ્રેલિયા A
9 ઓક્ટોબર: બીજી ODI - ઈન્ડિયા A vs ઓસ્ટ્રેલિયા A
11 ઓક્ટોબર: ત્રીજી ODI - ઈન્ડિયા A vs ઓસ્ટ્રેલિયા A
ઈન્ડિયા Aની વનડે ટીમ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, નમન ધીર, નિશાંત સિંધુ, અર્શિન કુલકર્ણી, અરશદ ખાન, સૂર્યાંશ શેડગે, વિપ્રરાજ નિગમ, કુમાર કુશાગ્ર, યશ ઠાકુર, યશ ઠાકરે.