નવી દિલ્હી: ઈન્ડિયા-A ટીમ આ વર્ષના અંતમાં ન્યૂઝીલેન્ડ-A સામે ત્રણ ચાર દિવસીય મેચ રમશે. પ્રથમ મેચ 24 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં શરૂ થશે, એમ ન્યૂઝીલેન્ડ ક્રિકેટે જણાવ્યું છે.
આ શ્રેણી ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી વરિષ્ઠ શ્રેણી પહેલાં રમાશે. ભારતીય ટીમ આ પ્રવાસમાં પાંચ ટી-20, પાંચ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટે જણાવ્યું, 'ડોમેસ્ટિક રેડ-બોલ સીઝનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મુકાબલા પણ થશે. ન્યૂઝીલેન્ડ-A, ઈન્ડિયા-Aની યજમાની કરશે. બંને ટીમ વચ્ચે ત્રણ ચાર દિવસીય મેચ 24 ઑક્ટોબરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.'
ઉલ્લેખનીય છે કે, ભારતે તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ પહેલાં ત્યાં પણ આવી જ A-શ્રેણી રમી હતી. આ શ્રેણીમાં ધ્રુવ જુરેલ, દેવદત્ત પડિકલ, સારાંશ જૈન અને ગુરનૂર બરાર જેવા ખેલાડીઓને મુખ્ય ટીમના પ્રવાસ પહેલાં મેચ રમવાનો અનુભવ મળ્યો હતો.
ભારતીય ટીમ નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડનો ત્રણ ફોર્મેટનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે પાંચ ટી-20 અને પાંચ વન-ડે રમશે. ત્યારબાદ બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ શ્રેણીનું વિશેષ મહત્વ હશે, કારણ કે તેનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારતની ક્વોલિફિકેશન સંભાવનાઓ પર સીધો પ્રભાવ પડશે.