ન્યૂઝીલેન્ડના લિંકનમાં ઈન્ડિયા-A અને ન્યૂઝીલેન્ડ-A વચ્ચેની ત્રીજી અને અંતિમ અન-ઑફિશિયલ ટેસ્ટ મંગળવારે વરસાદના કારણે ડ્રો થઈ ગઈ. ચોથા દિવસે બપોરે 1 વાગ્યે (સ્થાનિક સમય) મેચ સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સતત બીજા દિવસે વરસાદને કારણે એક પણ બોલ ફેંકી શકાયો નહીં. આ સાથે ત્રણ મેચની સિરીઝ કોઈ પરિણામ વિના 0-0થી સમાપ્ત થઈ.
આ સિરીઝ 19 નવેમ્બરથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શરૂ થનારી બે ટેસ્ટ મેચની સિરીઝની તૈયારીની દૃષ્ટિએ મહત્વપૂર્ણ હતી.
સિનિયર ટીમમાં નંબર-3ના સ્થાન માટે દાવેદારી કરી રહેલા દેવદત્ત પડિકલ અને સાઈ સુદર્શને આ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું. પડિકલે પ્રથમ અન-ઑફિશિયલ ટેસ્ટમાં 199 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સાઈ સુદર્શને પ્રથમ મેચમાં 91 અને ત્રીજી મેચમાં 88 રન બનાવ્યા. તેણે સિરીઝમાં બે ફિફ્ટી ફટકારી.
ઓપનર યશસ્વી જયસ્વાલે ત્રીજી મેચમાં 102 રનની ઇનિંગ્સ રમી. આ સિરીઝમાં તેની બીજી સદી હતી. તેણે 5 ઇનિંગ્સમાં 69.75ની સરેરાશથી 279 રન બનાવ્યા.
વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલે 71 રન બનાવ્યા. રિષભ પંત સાઇડ સ્ટ્રેનમાંથી સાજો થઈ રહ્યો છે, તે દરમિયાન જુરેલ પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ-11માં સ્થાન મેળવવાના દાવેદાર છે. બીજી તરફ, તિલક વર્માએ અણનમ 81 રન બનાવીને ઈન્ડિયા-Aની પ્રથમ ઇનિંગ્સ 464/5ના સ્કોર પર ડિક્લેર કરવામાં યોગદાન આપ્યું.
સિનિયર ટેસ્ટ સિરીઝની તૈયારી માટે ઈન્ડિયા-Aની ટીમમાં જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિન્દ્ર જાડેજાને સામેલ કર્યા હતા. જોકે, વરસાદને કારણે બુમરાહ અને પ્રસિદ્ધ મળીને માત્ર 11 ઓવર બોલિંગ કરી શક્યા. જાડેજાને બોલિંગ કરવાની તક મળી નહીં.
હેમસ્ટ્રિંગની ઈજામાંથી સ્વસ્થ થઈને પરત ફરી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ ન્યૂઝીલેન્ડ-Aની બંને વિકેટ ઝડપી. તેણે 12 રન આપીને 2 વિકેટ ઝડપી. બીજી તરફ, બુમરાહને કોઈ વિકેટ મળી નહીં. પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રીજી મેચના બીજા દિવસે પોતાના ટૂંકા બોલિંગ સ્પેલમાં 2 વિકેટ ઝડપી.
ન્યૂઝીલેન્ડ-A માટે ઓલરાઉન્ડર ડીન ફોક્સક્રોફ્ટ સૌથી સફળ બેટર રહ્યો. તેણે 4 ઇનિંગ્સમાં 65.33ની સરેરાશથી 196 રન બનાવ્યા. જ્યારે અનકેપ્ડ ઝડપી બોલર જેક ગિબ્સને સમગ્ર સિરીઝમાં સૌથી વધુ 8 વિકેટ લીધી.
ન્યૂઝીલેન્ડની સિનિયર ટેસ્ટ ટીમની જાહેરાત થવાની બાકી છે. ટોમ લેથમ, ડેરીલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ જેવા સિનિયર ખેલાડીઓ વન-ડે સિરીઝ બાદ ટેસ્ટ સિરીઝની તૈયારીઓમાં જોડાશે.