ન્યૂઝીલેન્ડ A અને ઇન્ડિયા A વચ્ચે 3 બિનસત્તાવાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ બર્ટ સટક્લિફ ઓવલ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ઇન્ડિયા Aની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડે આ મેચ માટે ઘાસવાળી પીચ તૈયાર કરી હતી, જે બોલરો માટે મદદરૂપ સાબિત થઈ. ભારતીય બેટ્સમેનો આ પીચ પર ટકી શક્યા નહોતા. ટીમના પાંચ ખેલાડીઓ પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા. કેએલ રાહુલ, સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદર શૂન્ય રને આઉટ થયા હતા, જ્યારે વિકેટકીપર ધ્રુવ જુરેલ માત્ર 1 રન બનાવી શક્યો હતો.
યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે 45 બોલમાં 17 રન બનાવ્યા, પરંતુ તે સારી શરૂઆતને મોટી ઇનિંગમાં બદલી શક્યો નહીં. તે જેક્સ ગિબ્સનની બોલિંગમાં સ્લિપમાં કેચ આપી બેઠો હતો. દેવદત્ત પડિકલે 77 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. યશ રાઠોડે 49 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 44 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે ટીમ 100 રન પાર કરી શકી હતી. અંશુલ કંબોજે 10 રન અને આકિબ નબીએ 5 રનનું યોગદાન આપ્યું હતું. આકાશદીપ અને મુકેશ ચૌધરી શૂન્ય રને આઉટ થયા હતા.
ન્યૂઝીલેન્ડ A તરફથી સિમોન કીનીએ 24 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડ Aએ 3 વિકેટ ગુમાવીને 135 રન બનાવીને પ્રથમ ઇનિંગ્સના આધારે 22 રનની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી આકિબ નબીએ જેડન લેનોક્સ અને ટિમ રોબિન્સનને શૂન્ય રને આઉટ કર્યા હતા.