પુડુચેરીમાં રમાયેલી પ્રથમ અનઅધિકૃત ટેસ્ટમાં ઇન્ડિયા-Aએ ઓસ્ટ્રેલિયા-Aને 162 રનથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે બે મેચની સિરીઝમાં 1-0ની આગેવાની મેળવી લીધી છે.
મેચમાં ઓસ્ટ્રેલિયા-Aને 363 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તેની ટીમ 54.5 ઓવરમાં 200 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 334 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા-A 171 રનમાં સમેટાઈ ગઈ અને ભારતને 163 રનની લીડ મળી. બીજી ઇનિંગ્સમાં ભારતે 199 રન બનાવીને ઓસ્ટ્રેલિયા-A સામે 363 રનનો ટાર્ગેટ રાખ્યો.
ભારત તરફથી કુમાર કુશાગ્રએ પ્રથમ ઇનિંગ્સમાં 113 રન બનાવ્યા અને બીજી ઇનિંગ્સમાં 46 રન બનાવીને અણનમ રહ્યો. તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. શમ્સ મુલાનીએ બંને ઇનિંગ્સમાં મળીને કુલ 7 વિકેટ ઝડપી.
ઓસ્ટ્રેલિયા-A માટે બીજી ઇનિંગ્સમાં એક પણ અડધી સદી થઈ નહીં. ફર્ગસ ઓ'નીલે 52 બોલમાં 47 રન અને નાથન મેકસ્વીનીએ 75 બોલમાં 35 રન બનાવ્યા. જેસન સાંઘાએ 23 બોલમાં 26 રનની ઝડપી ઇનિંગ રમી, જ્યારે ટોડ મર્ફીએ 17 રન બનાવ્યા. ઇન્ડિયા-A તરફથી તુષાર દેશપાંડે અને શમ્સ મુલાનીએ 3-3 વિકેટ લીધી, જ્યારે અંશુલ કંબોજ અને તનુષ કોટિયનને 2-2 વિકેટ મળી.
ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા-Aએ 55/2ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું. ટીમે 31.5 ઓવરમાં 100 રન પૂરા કર્યા. ત્યારબાદ ઇન્ડિયા-Aએ સતત વિકેટ લઈને દબાણ બનાવ્યું. 36 ઓવર પછી ઓસ્ટ્રેલિયા-Aનો સ્કોર 4 વિકેટે 114 રન હતો. આઠમી વિકેટ માટે ફર્ગસ ઓ'નીલ અને ટોડ મર્ફીએ 59 બોલમાં 50 રનની ભાગીદારી કરી. લંચ સુધી ઓસ્ટ્રેલિયા-Aએ 7 વિકેટે 185 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટીમ 54.5 ઓવરમાં 200 રને ઓલઆઉટ થઈ ગઈ.
મેચના ત્રીજા દિવસે ઇન્ડિયા-Aની ટીમ બીજી ઇનિંગ્સમાં 199 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી ઓસ્ટ્રેલિયા-Aએ બીજી ઇનિંગ્સમાં 2 વિકેટે 55 રન બનાવી લીધા હતા.
બીજા દિવસે ઇન્ડિયા-Aએ ઓસ્ટ્રેલિયા-Aને 171 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પુડુચેરીમાં બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 55.3 ઓવર જ બેટિંગ કરી શકી હતી.
પહેલા દિવસે ઇન્ડિયા-Aએ 5 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. તનુષ કોટિયન 68 રન અને શમ્સ મુલાની 10 રન બનાવીને રમી રહ્યા હતા. આ પહેલાં કુમાર કુશાગ્ર 82 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયા હતા, જ્યારે સાઈ સુદર્સને 57 રનની ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા-Aના બોલર કોરી રોચિસિઓલીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.