ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહેલી ઈન્ડિયા-A અને ન્યૂઝીલેન્ડ-A વચ્ચેની પ્રથમ અનઅધિકૃત ટેસ્ટમાં ઈન્ડિયા-Aએ પોતાની પહેલી ઇનિંગ્સમાં 346 રન બનાવ્યા છે. રવિવારે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ન્યૂઝીલેન્ડ-Aએ 3 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા છે.
કેપ્ટન ધ્રુવ જુરેલે 4 કલાક 7 મિનિટ બેટિંગ કરીને 171 બોલમાં 105 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા હતા. જુરેલની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ આઠમી સદી છે.
ઈન્ડિયા-Aએ બીજા દિવસની રમત 291 રનમાં 7 વિકેટ ગુમાવીને શરૂ કરી હતી. બાકીની ત્રણ વિકેટમાં ટીમે 55 રન ઉમેર્યા. એક સમયે ઈન્ડિયા-Aની સ્થિતિ 137 રનમાં 5 વિકેટ ગુમાવેલી હતી. એ સ્થિતિમાં ધ્રુવ જુરેલે બે ભાગીદારી કરીને ટીમને 300 રનની પાર પહોંચાડી.
જુરેલે સાતમી વિકેટ માટે માનવ સુથાર સાથે 97 બોલમાં 62 રનની ભાગીદારી કરી. ત્યારબાદ આકાશ દીપ સાથે આઠમી વિકેટ માટે 142 બોલમાં 75 રન ઉમેર્યા. આકાશ દીપે નવમા નંબર પર 68 રન બનાવીને પોતાનો સૌથી મોટો ફર્સ્ટ ક્લાસ સ્કોર નોંધાવ્યો.
પહેલા દિવસે ધ્રુવ જુરેલ 99 રન પર અણનમ રહ્યો હતો, જ્યારે દેવદત્ત પડિકલે 80 રનની ઇનિંગ રમી હતી. યશસ્વી જયસવાલ આ ઇનિંગમાં પણ ખાતું ખોલી શક્યો નહીં. તે પહેલી ઓવરના ચોથા બોલ પર ફ્રેઝર શીટને આઉટ થઈ ગયો.
દરમિયાન શનિવારે રમત ચાલુ હતી ત્યારે એક શખ્સ સ્કૂટર લઈને મેદાનમાં આવી ગયો હતો. તેને કારણે રમત થોડી વાર રોકવી પડી હતી. આ ઘટના પહેલા દિવસના છેલ્લા સેશનમાં ઇનિંગ્સની 83મી ઓવર પહેલાં બની હતી. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર બ્રેટ રેન્ડેલ બોલિંગ માટે રનઅપ લઈ રહ્યો હતો ત્યારે આકાશ દીપે તેને ઊભા રહેવા કહ્યું, કારણ કે તે વ્યક્તિ સાઇટ સ્ક્રીન સામેથી સ્કૂટર લઈને પસાર થઈ રહ્યો હતો. મેદાનમાં હાજર ખેલાડીઓ અને કોમેન્ટેટરો પણ આ દૃશ્ય જોઈને હસી પડ્યા હતા.