સત્ય. સાહસ. સંકલ્પ.

ધ્રુવ જુરેલની 99 રનની અણનમ ઇનિંગ, ઈન્ડિયા-Aએ 7 વિકેટે 291 રન બનાવ્યા

ધ્રુવ જુરેલની 99 રનની અણનમ ઇનિંગ, ઈન્ડિયા-Aએ 7 વિકેટે 291 રન બનાવ્યા

ન્યૂઝીલેન્ડ-A સામેની બીજી અનઅધિકૃત ટેસ્ટના પ્રથમ દિવસે શનિવારે ઈન્ડિયા-Aએ 7 વિકેટે 291 રન બનાવ્યા. ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલમાં વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલ 99 રન બનાવીને અણનમ છે.

દેવદત્ત પડિકલે 80 રન બનાવ્યા, જ્યારે સાઈ સુદર્શને 41 રનની ઇનિંગ રમી. ન્યૂઝીલેન્ડ-Aના ઝડપી બોલર ફ્રેઝર શીટે 50 રન આપીને 4 વિકેટ ઝડપી.

ઈન્ડિયા-Aની ઇનિંગ એક સમયે મુશ્કેલીમાં હતી. ટીમે 160 રન સુધીમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. બપોરના સેશનમાં 6 બોલની અંદર 3 વિકેટ પડવાથી ટીમ દબાણમાં આવી ગઈ.

આવા સમયે જુરેલે મોરચો સંભાળ્યો. તેણે માનવ સુથાર સાથે સાતમી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી. સુથારે 22 રન બનાવ્યા. તેના આઉટ થયા બાદ જુરેલે આકાશ દીપ સાથે પણ સારી ભાગીદારી કરી. બંનેએ આઠમી વિકેટ માટે 69 રન જોડ્યા.

દિવસની રમત સમાપ્ત થાય ત્યાં સુધી જુરેલ 99 રન બનાવીને અણનમ રહ્યો. અગાઉની અનઅધિકૃત ટેસ્ટની બંને ઇનિંગમાં 1 અને 2 રન બનાવ્યા બાદ તેણે આ મુકાબલામાં શાનદાર કમબેક કર્યો.

દેવદત્ત પડિકલે ન્યૂઝીલેન્ડ-Aના બોલરોનો સામનો કરતાં 80 રન બનાવ્યા. તેણે 140 બોલની ઇનિંગમાં 12 ચોગ્ગા ફટકાર્યા. અગાઉની અનઅધિકૃત ટેસ્ટની બીજી ઇનિંગમાં 199 રન બનાવનારા પડિકલે આ મુકાબલામાં પણ સારી બેટિંગ કરી.

કેએલ રાહુલની ગેરહાજરીમાં ઇનિંગની શરૂઆત કરવા ઉતરેલા સાઈ સુદર્શન સાથે તેણે બીજી વિકેટ માટે 91 રન જોડ્યા. બંનેએ શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરોની સ્વિંગનો સામનો કરતાં ઇનિંગને સંભાળી.

પડિકલે 100 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જોકે, સાઈ સુદર્શન 41 રન બનાવ્યા બાદ જેરોડ મેકેની બોલિંગ પર આઉટ થઈ ગયો. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડ-Aના બોલરોએ ઈન્ડિયા-A પર દબાણ બનાવી દીધું.

યશસ્વી જયસ્વાલ આ ઇનિંગમાં પણ પોતાનું ખાતું ખોલી શક્યો નહીં. તે પ્રથમ ઓવરમાં ફ્રેઝર શીટના ચોથા બોલ પર આઉટ થયો. તે શૂન્યમાં આઉટ થયો. પ્રથમ અનઅધિકૃત ટેસ્ટની બંને ઇનિંગમાં જયસ્વાલે 17 અને 5 રન બનાવ્યા હતા. હવે તે સતત ત્રીજી ઇનિંગમાં નિષ્ફળ રહ્યો.

ઈન્ડિયા-Aના બેટર સ્મરણ રવિચંદ્રન પણ શૂન્યમાં આઉટ થયો. પડિકલ 39મી ઓવરમાં આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા સ્મરણને ફ્રેઝર શીટે પહેલા જ બોલ પર LBW આઉટ કર્યો.

પ્રથમ અનઅધિકૃત ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ઈન્ડિયા-A તરફથી ટોપ સ્કોરર રહેલા યશ રાઠોડ બીજા મેચમાં માત્ર 13 રન બનાવી શક્યો. તેણે 22 બોલ રમ્યા.

ઈન્ડિયા-Aએ બીજા અનઅધિકૃત ટેસ્ટ માટે પ્લેઇંગ-11માં ત્રણ ફેરફાર કર્યા. મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને માનવ સુથારને ટીમમાં સામેલ કર્યા. વન-ડે સિરીઝમાં વ્યસ્તતાને કારણે કેએલ રાહુલ અને અંશુલ કંબોજ આ મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતા.