સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્દ્ર સરકારના 7 નવા સેફ્ટી નિયમો: વાહન ખરીદનારાઓને સુરક્ષા અને રાહત

કેન્દ્ર સરકારના 7 નવા સેફ્ટી નિયમો: વાહન ખરીદનારાઓને સુરક્ષા અને રાહત

કેન્દ્ર સરકારે ભારતીય વાહનોમાં મુસાફરોની સુરક્ષા વધારવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 19 ઓક્ટોબર 2026ના રોજ જારી કરેલા નોટિફિકેશન મુજબ, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ-1989 હેઠળ 7 નવા સેફ્ટી નિયમો જાહેર કર્યા છે. આ નિયમો તબક્કાવાર લાગુ થશે, જેથી વાહન ઉત્પાદક કંપનીઓને યોગ્ય તૈયારી માટે સમય મળી રહે અને અકસ્માતમાં ઈજા અને મોતનું જોખમ ઘટે.

સરકારે જાહેર કરેલા 7 નવા સેફ્ટી નિયમો નીચે મુજબ છે:

1. ફ્રન્ટલ અને સાઇડ ક્રેશ સેફ્ટી: વાહન આગળથી કે બાજુમાંથી અથડાય ત્યારે કારમાં બેઠેલા મુસાફરોને ગંભીર ઈજાઓ ન થાય તે માટે ક્રેશ સેફ્ટી નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.

2. પાછળની ટક્કર અને ફ્યુઅલ સિસ્ટમ પ્રોટેક્શન: વાહન પાછળથી અથડાય તેવા સંજોગોમાં પેટ્રોલ કે ડીઝલ વાહનોની ફ્યુઅલ ટાંકી લીક ન થાય અથવા તેમાં આગ ન લાગે તે માટેના નિયમો અપડેટ કરાયા છે.

3. ઈલેક્ટ્રિક પાવરટ્રેન સુરક્ષા: ઈલેક્ટ્રિક વાહનો (EV) પાછળથી ટકરાય ત્યારે બેટરી પેક અને ઈલેક્ટ્રિક વાયરિંગમાં બ્લાસ્ટ કે આગ લાગવાનું જોખમ ટાળવા માટે ખાસ સુરક્ષા ધોરણો નક્કી કરાયા છે.

4. વ્હીકલ કંટ્રોલ અને સ્ટીયરિંગ નિયમ: મુસાફરી દરમિયાન ચાલકનું વાહન પર પૂરતું નિયંત્રણ રહે તે માટે સ્ટીયરિંગ અને કંટ્રોલ સિસ્ટમ સાથે જોડાયેલા સુરક્ષા ધોરણોમાં ફેરફાર કરાયા છે.

5. રાહદારીઓની સુરક્ષા (Pedestrian Safety): રસ્તા પર ચાલતા રાહદારીઓને અકસ્માત સામે રક્ષણ આપવા માટે નવા વાહન મોડેલોમાં 1 ઓક્ટોબર 2028થી જરૂરી ટેકનિકલ ફેરફારો ફરજિયાત લાગુ કરવામાં આવશે.

6. કાર ચોરી અટકાવવા ઈમોબિલાઈઝર: M1 કેટેગરીની તમામ પેસેન્જર કારોમાં અસલી ચાવી વગર એન્જિન સ્ટાર્ટ ન થાય તેવું એન્ટિ-થેફ્ટ ઈમોબિલાઈઝર ડિવાઈસ લગાવવું 1 ઓક્ટોબર 2027થી ફરજિયાત બનશે, જેથી વાહન ચોરી લગભગ અટકી જશે.

7. ઈલેક્ટ્રોનિક ડેટા રેકોર્ડર (EDR): વિમાનના બ્લેક બોક્સની જેમ કામ કરતું EDR ડિવાઈસ વાહનોમાં સામેલ કરવામાં આવશે, જે અકસ્માત સમયનો મહત્વપૂર્ણ ડેટા સાચવશે જેથી અકસ્માત કેમ થયો તેનું ચોક્કસ કારણ જાણી શકાય.

વધુમાં, રાહદારીઓની સુરક્ષા માટે આધુનિક ટેસ્ટિંગ ડિવાઇસ ફ્લેક્સિબલ પેડેસ્ટ્રિયન લેગ ઈમ્પેક્ટર (FlexPLI) નો ફરજિયાત ઉપયોગ 1 ઓક્ટોબર 2032થી અમલમાં લાવવાની તૈયારી છે. આ ડિવાઇસ વાહનોના આગળના ભાગથી રાહદારીના પગને થતા નુકસાનની ચોક્કસ તપાસ કરશે.

કેન્દ્ર સરકારના આ પગલાથી દેશમાં બનતા વાહનો વૈશ્વિક સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ સાથે તાલ મિલાવી શકશે. વાહનોમાં આધુનિક સેફ્ટી ટેકનોલોજી ફરજિયાત થવાથી રોડ અકસ્માત દરમિયાન થતી ગંભીર ઈજાઓ અને મોતના જોખમમાં મોટો ઘટાડો થવાની આશા છે.