સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સ 2026: ભારતને એક દિવસમાં 7 મેડલ, કુલ 37 પર પહોંચ્યા

એશિયન ગેમ્સ 2026: ભારતને એક દિવસમાં 7 મેડલ, કુલ 37 પર પહોંચ્યા

એશિયન ગેમ્સ 2026માં રવિવારનો દિવસ ભારત માટે ખૂબ જ સફળ રહ્યો છે. એથ્લેટિક્સ અને સ્ક્વોશમાં શાનદાર પ્રદર્શનના જોરે ભારતે એક જ દિવસમાં 7 મેડલ (4 સિલ્વર અને 3 બ્રોન્ઝ) જીત્યા છે. આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા વધીને 37 થઈ ગઈ છે. બોક્સિંગમાં વધુ ત્રણ મેડલ પાક્કા થઈ ચૂક્યા છે, જ્યારે હોકી અને વોલીબોલની ટીમોએ પણ વિજયી પ્રદર્શન જાળવી રાખ્યું છે.

મેન્સ હાઈ જમ્પમાં સર્વેશ કુશારેએ શાનદાર કુદકો લગાવીને દેશ માટે સિલ્વર મેડલ મેળવ્યો છે. તેણે 2.25 મીટરનો જમ્પ સફળતાપૂર્વક પાર કર્યો છે. ચાઈનીઝ તાઈપેઈના ફુ ચાઓ-હ્સુઆને પણ 2.25 મીટર કુદાવ્યું છે, પરંતુ તેણે પ્રથમ પ્રયાસમાં જ આ ઊંચાઈ વટાવી લીધી હોવાથી કાઉન્ટબેકના આધારે સર્વેશને બીજા સ્થાને રહી સિલ્વરથી સંતોષ માનવો પડ્યો છે. આ જ ઈવેન્ટમાં સામેલ અન્ય ભારતીય એથ્લેટ આદર્શ રામ 2.05 મીટર પાર કરીને 13મા સ્થાને રહ્યો છે.

વિમેન્સ લોંગ જમ્પની આખરી ક્ષણોમાં ભારે રસાકસી જોવા મળી છે. ભારતીય સ્ટાર એન્સી સોજને 6.53 મીટરનો જમ્પ લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ચીનની હુઆંગ યિંગયિંગે પોતાના અંતિમ પ્રયાસમાં 6.55 મીટર છલાંગ લગાવીને માત્ર 2 સેમીના અંતરથી ગોલ્ડ મેડલ છીનવી લીધો છે. ભારતની શૈલી સિંહ લાંબા સમય સુધી મેડલની રેસમાં રહ્યા બાદ અંતે 6.42 મીટર સાથે ચોથા સ્થાને રહી ગઈ છે.

વિમેન્સ 3000 મીટર સ્ટીપલચેસ સ્પર્ધામાં પારુલ ચૌધરીએ 9:08.67 ના સમય સાથે પોતાનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે અને નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે અંતિમ લેપ સુધી ગોલ્ડ વિજેતા બહેરીનની વિનફ્રેડ યાવી સામે ટક્કરમાં રહી હતી. ભારતની અંકિતાએ પણ 9:19.24 ના અંગત સર્વશ્રેષ્ઠ સમય સાથે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પુરુષોની અત્યંત કઠિન ગણાતી ડેકાથલોન ઈવેન્ટમાં તેજસ્વિન શંકરે કુલ 7934 પોઈન્ટ્સ મેળવીને દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. તેણે અંતિમ 1500 મીટરની રેસ 4:33.09 ના સમય સાથે પ્રથમ સ્થાને રહી પૂર્ણ કરી છે અને 724 પોઈન્ટ્સ ઉમેર્યા છે. આ સાથે તેજસ્વિને એશિયન ગેમ્સમાં પોતાનો સતત બીજો મેડલ હાંસલ કર્યો છે.

વિમેન્સ 200 મીટર ફાઇનલમાં હરિતા ભદ્રાએ અસાધારણ દોડ લગાવીને 23.20 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીતી સૌને ચોંકાવી દીધા છે. આ રેસ એટલી રોમાંચક હતી કે ફોટો ફિનિશ બાદ નિર્ણય લેવાયો છે, જેમાં હરિતાએ ચોથા ક્રમના રનરને માત્ર 0.01 સેકન્ડના મામૂલી અંતરથી પાછળ છોડી દીધી છે.

સ્ક્વોશ કોર્ટ પર સિંગલ્સ કેટેગરીમાં ભારતે બે સિલ્વર મેડલ હાંસલ કર્યા છે. મહિલા સિંગલ્સ ફાઇનલમાં 18 વર્ષીય યુવા સ્ટાર અનાહત સિંહ વર્લ્ડ નંબર 5 મલેશિયાની સિવાસંગરી સુબ્રમણ્યમ સામે 3-0 (11-4, 11-4, 11-7) થી પરાજિત થતાં સિલ્વર મળ્યો છે. પુરુષ સિંગલ્સ ફાઇનલમાં અભય સિંહને પણ મલેશિયાના એનજી ઈન યોવ સામે 3-0 (11-9, 11-5, 11-5) થી હારનો સામનો કરવો પડ્યો છે અને તેણે પણ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.