સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂઝીલેન્ડ સામે આજે બીજી T20: ઈશાન બહાર, વૈભવ સૂર્યવંશીની પ્લેઇંગ-11માં એન્ટ્રી શક્ય

ન્યૂઝીલેન્ડ સામે આજે બીજી T20: ઈશાન બહાર, વૈભવ સૂર્યવંશીની પ્લેઇંગ-11માં એન્ટ્રી શક્ય

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની બીજી મેચ આજે ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાશે. ટૉસ બપોરે 12 વાગ્યે થશે અને મેચ 12:30 વાગ્યે શરૂ થશે. ભારત સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે મેદાન પર ઉતરશે.

પહેલી મેચ ભારતે 4 વિકેટથી જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં ટીમ સરસાઈ બમણી કરવા માંગશે, જ્યારે યજમાન ન્યૂઝીલેન્ડ સિરીઝમાં બરાબરી કરવા પ્રયત્ન કરશે.

ઈશાન બહાર, વૈભવને તક?

બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. વિકેટકીપર બેટર ઈશાન કિશન ઈજાના કારણે બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ યુવા બેટર વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં તક મળી શકે છે. બેટિંગ કોચ સિતાંશુ કોટક આ પહેલા જ સૂર્યવંશીના રમવાના સંકેત આપી ચૂક્યા છે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત ટૉસ સમયે જ થશે.

હેડ ટુ હેડમાં ભારત આગળ

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 32 મુકાબલા થયા છે. તેમાં ભારતે 20 અને ન્યૂઝીલેન્ડે 11 મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે. છેલ્લી 6 મેચમાં ભારતે 5 જીતી છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર થયેલા 13 મુકાબલામાં ભારતે 8 અને ન્યૂઝીલેન્ડે 4 મેચ જીતી છે, એક મેચ ટાઈ રહી છે.

પહેલી મેચમાં શું બન્યું?

પહેલી T20માં ન્યૂઝીલેન્ડે 225 રન બનાવ્યા હતા, છતાં હાર મળી. ભારત તરફથી સંજુ સેમસને 33 બોલમાં 67 રન ફટકાર્યા, જ્યારે નમન ધીરે 15 બોલમાં 45 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી.

ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે 40 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. સ્પિનર માઈકલ બ્રેસવેલે 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ લીધી હતી. કિવી ટીમના ત્રણ મુખ્ય ઝડપી બોલરોનો ઇકોનોમી રેટ 10થી વધુ રહ્યો હતો, તેથી આ વખતે ટીમ તેમના પાસેથી સુધારેલા પ્રદર્શનની અપેક્ષા રાખશે.

પીચ અને હવામાન

હેગલે ઓવલની પીચ શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ કરી શકે છે. પહેલી મેચમાં અહીં 450થી વધુ રન બન્યા હતા. હવામાન વિભાગ મુજબ આજે ક્રાઇસ્ટચર્ચમાં વરસાદની સંભાવના નથી. મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્મ 9 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. રાત્રે ભેજ વધે તો ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

સંભવિત પ્લેઇંગ-11

ભારત: અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.

ન્યૂઝીલેન્ડ: ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકોબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.