ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયા માટે ડિનરનું આયોજન કર્યું હતું. આ ડિનરમાં ભારતીય ખેલાડીઓ ઉપરાંત બીસીસીઆઈ (BCCI)ના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બંને દેશના ખેલાડીઓએ એકબીજા સાથે ક્રિકેટ સંબંધિત અનુભવો શેર કર્યા અને T20 સીરીઝની ટ્રોફી સાથે ફોટા પણ પાડ્યા હતા.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ આયોજનને ‘કોહ-એ-ઝફર’ (Koh-E-Zafar) નામ આપ્યું હતું, જેનો અર્થ ‘સફળતાનું શિખર’ થાય છે. આ ઈવેન્ટનો મુખ્ય હેતુ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સારા ક્રિકેટ સંબંધોની ઉજવણી કરવાનો હતો. ઈવેન્ટમાં બંને દેશોના ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ ભાગ લીધો હતો.
કોહ-એ-ઝફર દરમિયાન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ખેલાડીઓ અને બીસીસીઆઈના અધિકારીઓને સ્મારક ભેટ આપીને સન્માનિત કર્યા હતા.
ઈવેન્ટમાં ભારતીય ખેલાડી ઈશાન કિશને અફઘાનિસ્તાનના ખેલાડીઓની પ્રશંસા કરતાં કહ્યું કે, તેમની સાથે રમવું હંમેશા આનંદદાયક રહે છે, કારણ કે ઘણા ખેલાડીઓએ IPLમાં સાથે રમ્યા છે અને તેઓ સારા માણસો છે. તેમણે ખાસ કરીને મોહમ્મદ નબી સાથે મુંબઈ ઈન્ડિયન્સમાં રમવાનો અનુભવ યાદ કર્યો, જેમણે બેટિંગ સેશન દરમિયાન તેમને ઘણી મદદ કરી હતી. ઈશાને અફઘાનિસ્તાન ટીમની ભૂખ અને નિશ્ચયની પણ પ્રશંસા કરી.
અફઘાનિસ્તાનના ખેલાડી મોહમ્મદ નબીએ કહ્યું કે, તેઓ ભારતમાં ક્રિકેટ રમવાનો હંમેશા આનંદ લે છે. 2017થી IPLમાં રમવાનો અનુભવ તેમના માટે ઘણો ઉપયોગી રહ્યો છે અને મજબૂત ટીમો સામે રમવાથી તેમની રમતમાં સુધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન વિરુદ્ધની ત્રણ મેચની T20 સીરીઝમાં ભારત 2-0થી આગળ છે. હવે ત્રીજી મેચ દિલ્હીમાં રમાશે. ભારતીય ટીમ સીરીઝમાં ક્લીન સ્વીપ કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.