ફિલ્મ 'રામાયણ'ના નિર્માતા નમિત મલ્હોત્રાની કંપની 'પ્રાઇમ ફોકસ લિમિટેડ'ની મુંબઈ સ્થિત ઓફિસો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હોવાના સમાચાર છે. CNBC-TV18ના અહેવાલ મુજબ, આ કાર્યવા�હી વિદેશી લેવડદેવડ (ફોરેન રેમિટન્સ)માં થયેલી ગેરરીતિઓના સંદર્ભમાં કરવામાં આવી છે.
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી મોટા બજેટની ફિલ્મ 'રામાયણ'ની રિલીઝના થોડા અઠવાડિયા પહેલાં આ કાર્યવાહી સામે આવી છે. જોકે, કયા પ્રકારની લેવડદેવડની તપાસ કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહીનો વ્યાપ કેટલો મોટો છે, તે અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી કે ખુલાસો કરવામાં આવ્યો નથી.
7 ઑક્ટોબરની સવારે જેવા આ દરોડાના સમાચાર ફેલાયા, શેરબજારમાં પ્રાઇમ ફોકસના શેર્સમાં તરત જ 8 ટકાનો ઘટાડો નોંધાયો.
આવકવેરા વિભાગની આ કાર્યવાહી મુંબઈ સ્થિત પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝમાં 'રામાયણ'ના સેટ પાસે આગ લાગવાની ઘટનાના થોડા દિવસો બાદ કરવામાં આવી છે. તે સમયે સ્ટુડિયોની નજીક નજીવી આગ લાગી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ તરત જ શૂટિંગનું કામ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું.
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. આ પૌરાણિક ફિલ્મને આશરે 4,000 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર કરવામાં આવી રહી છે. તેનું સંગીત ઓસ્કર વિજેતા સંગીતકાર હેન્સ ઝિમર અને એઆર રહેમાન મળીને તૈયાર કરી રહ્યા છે. ફિલ્મનો પહેલો ભાગ 5 નવેમ્બર 2026ના રોજ દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ કરવાની યોજના છે.
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે સાઉથ સ્ટાર સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં છે. યશ રાવણના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત સની દેઓલ (હનુમાન), રવિ દુબે (લક્ષ્મણ), અરુણ ગોવિલ (દશરથ), લારા દત્તા (કૈકેયી) અને રકુલ પ્રીત સિંહ (શૂર્પણખા)ના પાત્રોમાં જોવા મળશે.
નમિત મલ્હોત્રાની કંપની પ્રાઇમ ફોકસ મનોરંજન જગતમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX), એનિમેશન, પોસ્ટ-પ્રોડક્શન અને કન્ટેન્ટ ક્રિએશનનું કામ કરે છે. નમિત મલ્હોત્રા આ 'રામાયણ' ફિલ્મનું નિર્માણ સાઉથ સ્ટાર યશની કંપની 'મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ' અને 'DNEG' સાથે મળીને કરી રહ્યા છે. DNEG આ ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સંભાળી રહી છે.