સત્ય. સાહસ. સંકલ્પ.

વંદે માતરમ્ વિવાદ: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કેસ વિશેષાધિકાર સમિતિને સોંપાયો

વંદે માતરમ્ વિવાદ: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કેસ વિશેષાધિકાર સમિતિને સોંપાયો

ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રગાન 'વંદે માતરમ્'ના ગાન દરમિયાન ગૃહના નિયમોનો ભંગ કરવા બદલ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષે આ મામલો ગૃહની વિશેષાધિકાર સમિતિને સોંપવાનો નિર્ણય લીધો છે.

ગૃહમાં જ્યારે 'વંદે માતરમ્'નું ગાન ચાલી રહ્યું હતું, ત્યારે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા શરૂઆતમાં ઊભા થયા હતા, પરંતુ ગાન પૂર્ણ થાય તે પહેલાં જ તેઓ વચ્ચેથી બેસી ગયા હતા. નાયબ મુખ્યમંત્રીએ આ બાબતને ગૃહમાં વિશેષાધિકાર ભંગના મુદ્દા તરીકે ઉઠાવી હતી.

વિધાનસભા અધ્યક્ષે ઘટનાના વીડિયો ફૂટેજ તપાસ્યા બાદ આ સમગ્ર મામલો વિશેષાધિકાર સમિતિને સોંપ્યો છે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં આશરે 13 વર્ષના લાંબા ગાળા બાદ કોઈ ધારાસભ્યનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપવામાં આવ્યો છે. અગાઉ આવું છેલ્લે વર્ષ 2011માં બન્યું હતું.

અધ્યક્ષે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણના શપથ લઈને ગૃહમાં આવતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પાસેથી નિયમોના પાલનની અપેક્ષા સામાન્ય નાગરિકો કરતાં વધુ હોય છે અને ગૃહના નિયમો તથા ગરિમાનું અપમાન ચલાવી લેવાય નહીં. આ ઘટના બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ પક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યોને ગૃહની ગરિમા જાળવવા તેમજ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની કડક સૂચના આપી છે.