સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ત્રણ બહેનોની ધરપકડ, 27 સપ્ટેમ્બરના પ્રદર્શન પહેલા કાર્યવાહી

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ત્રણ બહેનોની ધરપકડ, 27 સપ્ટેમ્બરના પ્રદર્શન પહેલા કાર્યવાહી

પાકિસ્તાનમાં 27 સપ્ટેમ્બરે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રસ્તાવિત પ્રદર્શન પહેલા લાહોર પોલીસે ઈમરાન ખાનની ત્રણ બહેનોની ધરપકડ કરી છે. અલીમા ખાન, ડો. ઉઝમા ખાન અને નૌરીન નિયાઝીની તેમના ઘરોમાંથી અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઘરોમાં ઘૂસીને બેડરૂમ સુધી પહોંચીને તેમને અટકાયતમાં લીધા હોવાનું પરિવારનું કહેવું છે.

લાહોરના ડેપ્યુટી કમિશનરે રવિવારે પંજાબ પ્રાંતના 'મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર' કાયદા હેઠળ આ ત્રણેય બહેનોને 30 દિવસ સુધી અટકાયતમાં રાખવાના બે અલગ-અલગ આદેશ જારી કર્યા છે. અધિકારીઓએ તેમને જાહેર શાંતિ માટે સંભવિત ખતરો ગણાવ્યો છે, જ્યારે આ બહેનોનો કોઈ રાજકીય કે પાર્ટી સાથે જોડાયેલો રોલ નથી. ત્રણેયને કોટ લખપત જેલમાં મોકલવામાં આવ્યા છે.

PTIના પ્રવક્તા શેખ વકાસ અકરમે સોમવારે સવારે X પર લખ્યું, 'તેમને એક બખ્તરબંધ ગાડીમાં બેસાડવામાં આવ્યા છે, અને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.' તેમણે જણાવ્યું કે, મહિલાઓના બાળકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકરોનું કહેવું છે કે, પાકિસ્તાન પોલીસ અને એજન્સીઓએ ઈમરાન ખાનના સમગ્ર પરિવારની જ અટકાયત કરી લીધી છે.

ઈમરાન ખાનના પુત્ર કાસિમ ખાને આક્ષેપ કર્યો હતો કે, પોલીસે તેમની ફોઈઓ અને કઝિન્સના ઘરોમાં જબરદસ્તી ઘૂસીને તેમને વાહનોમાં બેસાડ્યા હતા. ચર્ચિત પત્રકારે એક સમાચારપત્રના અહેવાલને ટાંકીને ઈમરાન ખાનના પરિવારના એક સભ્યના હવાલેથી જણાવ્યું કે, 200 થી વધુ પોલીસ અધિકારીઓએ લાહોરમાં તેમની બહેનોના ઘરો પર દરોડા પાડ્યા અને બેડરૂમનો દરવાજો તોડી નાખ્યો, જ્યારે ઈમરાનની બહેન ડો. ઉઝમા ખાન પલંગ પર સૂતા જ હતા. તેમણે એમ પણ કહ્યું કે બંને ઘરોના સ્ટાફને તેમના ક્વાર્ટરથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યો, અલીમા ખાનના સ્ટાફને પોલીસ વાનમાં નાંખી દેવામાં આવ્યો અને પોલીસે અન્ય લોકોને પણ ધરપકડ કરવાની ધમકી આપી.

નૌરીન નિયાઝી અને ડો. ઉઝમાને 'મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર' વટહુકમ હેઠળ 30 દિવસ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. ઈમરાનના ભત્રીજા શેરશાહ ખાને X પર લખ્યું કે, અમારા ઘરને ઘેરી લેવામાં આવ્યું છે. અમારી શેરીના બંને છેડા સીલ કરી દેવામાં આવ્યા છે, જેનાથી વાસ્તવમાં અમારો આખો પરિવાર નજરકેદ થઈ ગયો છે. શેરશાહે લખ્યું કે મારી માતા અલીમા ખાનનું થોડા કલાકો પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. અમને હજુ સુધી કોઈ માહિતી નથી કે તેમને ક્યાં રાખવામાં આવ્યા છે. પરિવારને તેમના ઠેકાણા વિશે અંધારામાં રાખવું બિલકુલ ખોટું છે.

ઈમરાન ખાનના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ શાહબાઝ ગિલે આ ધરપકડોને 'હિટલર જેવી ક્રૂરતા' ગણાવી છે. આ બધું PTIના 27 સપ્ટેમ્બરે ઈસ્લામાબાદમાં યોજાનારા માર્ચના થોડા દિવસો પહેલા થઈ રહ્યું છે, જેને રોકવા માટે સરકારે હજારો પોલીસકર્મીઓને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.