પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેન અલીમા ખાનની લાહોર સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ 27 સપ્ટેમ્બરે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) દ્વારા જાહેર કરાયેલી 'લોંગ માર્ચ' પહેલા થઈ છે.
રોયટર્સના અહેવાલ મુજબ, પોલીસે અલીમા ખાનની ધરપકડ કરી હતી. અલીમા ખાન ઈમરાન ખાનના બહેન છે, જેઓ ઓગસ્ટ 2023થી જેલમાં છે. PTIએ ઈમરાન ખાનની તાત્કાલિક મુક્તિની માંગ સાથે 27 સપ્ટેમ્બરે દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે.
પોલીસે અલીમા ખાન પર તોફાન મચાવવા, સરકારી કામમાં અવરોધ ઊભો કરવા અને પોલીસકર્મીઓ પર હુમલો કરવા જેવા આરોપો લગાવ્યા છે. અલીમા ખાનની ધરપકડ પહેલા પોલીસે PTIના ચાર કાર્યકર્તાઓ અને સમર્થકોની પણ અટકાયત કરી હતી. આ અટકાયતો પ્રસ્તાવિત પ્રદર્શન પહેલા કરવામાં આવી છે.
બીજી તરફ, PTIના પ્રસ્તાવિત દેશવ્યાપી પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદ પોલીસ અને રાજધાની તંત્રએ સુરક્ષા તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાચાર પત્ર ડૉન (Dawn)ના અહેવાલ મુજબ, પોલીસ શહેરમાં આવવા-જવાના રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહી છે. પ્રદર્શન સંબંધિત પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ અંગે ઈસ્લામાબાદના સેન્ટ્રલ પોલીસ ઓફિસમાં એક બેઠક મળી હતી, જેમાં સંબંધિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રદર્શનને કારણે થતી કોઈપણ મુશ્કેલીને રોકવા માટેની યોજના પર ચર્ચા કરવામાં આવી હતી.