અમેરિકન નાગરિક અને ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડધારક અભિનેતા ઇમરાન ખાનને ભારત છોડવાના આદેશ પર બોમ્બે હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા 28 ઑક્ટોબર સુધી આપવામાં આવેલી 'લીવ ઇન્ડિયા' નોટિસ પર હાઈકોર્ટે 2 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધી રોક લગાવી છે.
ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની ખંડપીઠે સુનાવણી દરમિયાન આગામી તારીખ નક્કી કરી હતી. કેન્દ્ર સરકારે કોર્ટને ખાતરી આપી છે કે આગામી સુનાવણી સુધી અભિનેતા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
ઇમરાન ખાને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO)ની આ નોટિસને મનસ્વી ગણાવીને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે પોતાના વકીલો ઝુલ્ફિકાર મેમણ, પરવેઝ મેમણ અને કુણાલ વજાની મારફતે આ અરજી દાખલ કરી છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે કોઈપણ આદેશ જારી કરતાં પહેલાં તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી નહોતી અને ન તો કારણ બતાવો (શો-કોઝ) નોટિસની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. આથી આ આદેશ અસંગત અને મનસ્વી છે.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG)એ જવાબ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. ઇમરાનના વકીલ વેંકટેશ ધોંડેએ મામલાની ગંભીરતા જણાવતાં કહ્યું કે નોટિસ મુજબ તેમના અસીલને મંગળવાર સુધીમાં દેશ છોડવાનો હતો. આ અંગે ASGએ મૌખિક ખાતરી આપી કે આગામી સુનાવણી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. ત્યારબાદ પીઠે નોટિસના અમલને 2 નવેમ્બર સુધી સ્થગિત રાખતાં આગામી સુનાવણીની તારીખ નક્કી કરી.
આ સમગ્ર મામલો 10 ઑક્ટોબરે મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં થયેલા વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલો છે. SIRના વિરોધમાં ચાલી રહેલા આ પ્રદર્શનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી. પ્રદર્શન સ્થળે હાજર હોવાને કારણે મુંબઈ પોલીસે ઇમરાન ખાન, તેમની પાર્ટનર લેખા વોશિંગ્ટન અને પિતરાઈ બહેન ઝૈન મેરી ખાનને કસ્ટડીમાં લીધા હતા. ઇમરાને પોલીસ વેનમાંથી કસ્ટડીની તસવીર પણ શેર કરી હતી.
કસ્ટડીમાં લેવાયાના ચાર દિવસ પછી, 14 ઑક્ટોબરે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO)એ ઇમરાન ખાનને 'લીવ ઇન્ડિયા' નોટિસ જારી કરી હતી, જેમાં તેમને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ વિવાદની શરૂઆત ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની ફરિયાદ બાદ થઈ હતી. સોમૈયાએ મુંબઈ પોલીસ અને FRROને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે અમેરિકન નાગરિક હોવાને કારણે ઇમરાન ખાનનું રાજકીય પ્રદર્શનમાં સામેલ થવું OCIના નિયમો અને વિઝાની શરતોનું સીધું ઉલ્લંઘન છે. કિરીટ સોમૈયા મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ છે અને મુંબઈ ઉત્તર-પૂર્વ લોકસભા મતવિસ્તારમાંથી 13મી અને 16મી લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે.
નાગરિકતા કાયદા મુજબ, OCI કાર્ડધારકોને ભારતમાં રહેવા અને આવવા-જવાની સુવિધા મળે છે, પરંતુ તેમને ભારતમાં કોઈ રાજકીય અધિકાર કે આંદોલનમાં ભાગ લેવાની મંજૂરી હોતી નથી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થયેલા CJPના પ્રદર્શનમાં સામેલ થવાને કારણે જ આ સમગ્ર કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે.
આ ઘટનાની અસર ઇમરાન ખાનની કમબેક ફિલ્મ 'અધૂરે હમ અધૂરે તુમ'ની રિલીઝ અને પ્રમોશન પર પણ પડી શકે છે. મિડ-ડેના અહેવાલ મુજબ, ફિલ્મને ડિસેમ્બરમાં નેટફ્લિક્સ પર રિલીઝ કરવાની યોજના હતી. ઇમરાન દિવાળી બાદ તેનું પ્રમોશન શરૂ કરવાનો હતો, પરંતુ હાલની પરિસ્થિતિને કારણે યોજના અંગે પ્રશ્નો ઊભા થયા છે. ફિલ્મની ટીમ પરિસ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી પ્રમોશન શરૂ કરવા માગતી નથી. જોકે, ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
ઇમરાન છેલ્લે 2015માં આવેલી ફિલ્મ 'કટ્ટી બટ્ટી'માં જોવા મળ્યો હતો. આશરે 11 વર્ષ બાદ તે ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ 'અધૂરે હમ અધૂરે તુમ'થી કમબેક કરવાનો છે.