સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈ પોલીસની 'ભારત છોડો' નોટિસ સામે ઈમરાન ખાન બોમ્બે હાઈકોર્ટમાં

મુંબઈ પોલીસની 'ભારત છોડો' નોટિસ સામે ઈમરાન ખાન બોમ્બે હાઈકોર્ટમાં

બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 'ભારત છોડો' નોટિસ આપી છે. 43 વર્ષીય ઈમરાન અમેરિકાના નાગરિક છે અને તેમની પાસે OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા) કાર્ડ છે. તેમને 28 ઓક્ટોબર, 2026 સુધીમાં ભારત છોડવા જણાવાયું છે. રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઈમરાન ખાને આ નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલ ઝુલ્ફીકાર મેમણ મારફતે આ અરજી તૈયાર થઈ રહી છે. ડ્રાફ્ટ અરજીમાં તેમણે પોલીસના આદેશને 'અત્યંત કડક અને ગંભીર' ગણાવ્યો છે. તેમની દલીલ છે કે હાલના કાયદા કે નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી જે OCI કાર્ડધારકને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા રોકે. અરજી દાખલ થયા બાદ મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેંચ સમક્ષ તાકીદની સુનાવણી માટે તેને મૂકવામાં આવે તેવી શક્યતા છે.

આ સમગ્ર વિવાદ 10 ઓક્ટોબરના રોજ મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં યોજાયેલા એક આંદોલન સાથે જોડાયેલો છે. દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કરાયેલા પ્રદર્શનના સમર્થનમાં મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન દરમિયાન ઈમરાન ખાનની થોડા સમય માટે અટકાયત કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસ અને સત્તાવાળાઓએ 'ધ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ'ની કલમ 7 (2)(C) અને કલમ 29 હેઠળ આ આદેશ જાહેર કર્યો છે. આ કાયદાકીય જોગવાઈઓ સરકારને વિદેશી નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની અને તેમને દેશ છોડવા માટે આદેશ આપવાની સત્તા આપે છે. નોટિસ મુજબ, ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા જણાવાયું છે અને જો તે આવું નહીં કરે તો કલમ 29 હેઠળ દેશનિકાલની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.