અભિનેતા ઈમરાન ખાને 'SIR' વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા બદલ બિનશરતી માફી માંગી છે. તેમણે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું છે કે તેઓ ભવિષ્યમાં આવા કોઈપણ વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લે.
બોમ્બે હાઈકોર્ટ ઈમરાનને મળેલી 'લીવ ઈન્ડિયા' નોટિસ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે તેમને બિનશરતી માફી અને અન્ડરટેકિંગ આપવા આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 'વસુધૈવ કુટુંબકમ્'ના સિદ્ધાંતની યાદ અપાવી અને નિર્દેશ આપ્યો કે ઈમરાનને તેમના વિરુદ્ધ જારી કરવામાં આવેલી 'લીવ ઈન્ડિયા નોટિસ' (LIN)નો જવાબ આપવા માટે થોડો સમય આપવામાં આવે.
આગામી સુનાવણી 7 ડિસેમ્બરે થશે. ત્યાં સુધી તેમના વિરુદ્ધ જારી કરવામાં આવેલી 'લીવ ઈન્ડિયા' (ભારત છોડો) નોટિસ પર રોક રહેશે.
બોમ્બે હાઈકોર્ટની 5 ટિપ્પણીઓ:
- જો કોઈ ભારતીય નાગરિકે વિદેશમાં આવું જ કંઈક કર્યું હોત, તો તેને આગલી જ ફ્લાઇટથી ભારત પરત મોકલી દેવામાં આવ્યો હોત.
- તમે આટલાં વર્ષોથી ભારતમાં રહો છો, આ દરમિયાન તમે ક્યારેય કોઈ પ્રદર્શનમાં ભાગ લીધો નથી. તેમ છતાં હવે શા માટે જોડાયા?
- તમે OCI ધારક છો, તમે ભારતીય નાગરિકની જેમ વર્તન કરી શકતા નથી, તમે SIRથી પ્રભાવિત પણ નથી, તો તમને વિરોધ-પ્રદર્શન કરવાનો કોઈ અધિકાર નથી.
- જો તમે બાળપણથી અહીં છો, તો ભારતીય નાગરિકતા માટે અરજી શા માટે કરતા નથી? જો OCI તરીકે જ રહેવું હોય, તો ફરીથી આવા પ્રદર્શનોમાં નહીં જાઓ એવી બાંહેધરી આપવી પડશે.
- આ ઉપરાંત બિનશરતી માફી પણ માગવી પડશે, કારણ કે તમે લોકોને ઉશ્કેર્યા છે. સેલિબ્રિટી પાસેથી આવી અપેક્ષા રાખવામાં આવતી નથી. તમારી રોજીરોટી પણ આ જ દેશમાંથી ચાલે છે.
ચીફ જસ્ટિસે કહ્યું- આ ભારતની ઉદારતા છે, પહેલાં નોટિસ આપવામાં આવી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચે કહ્યું કે ભારતની ઉદારતા જુઓ કે એક અમેરિકન નાગરિક, જેની પાસે 'ઓવરસીઝ સિટિઝન ઑફ ઈન્ડિયા' (OCI) કાર્ડ છે, તેને તરત જ દેશમાંથી બહાર કાઢવા અથવા ડિપોર્ટ કરવાને બદલે પહેલાં નોટિસ આપીને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું. જો કોઈ ભારતીય નાગરિકે વિદેશમાં આવું જ કંઈક કર્યું હોત, તો તેને આગલી જ ફ્લાઇટથી ભારત પરત મોકલી દેવામાં આવ્યો હોત.
આ કેસમાં હવે શું થશે… અભિનેતા ઈમરાન ખાનને વચગાળાનું રક્ષણ મળી ગયું છે. કોર્ટે કહ્યું છે કે તમે ક્યાંય જઈ રહ્યા નથી અને હાલ તમને દેશ છોડવાની જરૂર નથી. કોર્ટે કેન્દ્ર સરકારને પણ જવાબ રજૂ કરવા કહ્યું છે.
આ ઉપરાંત, FRROએ 17 ઑક્ટોબરે ઈમરાનનું OCI રદ કરવા માટે અલગથી કારણ બતાવો નોટિસ પણ આપી હતી. આ મામલે સુનાવણી 7 ડિસેમ્બરે થશે.