સત્ય. સાહસ. સંકલ્પ.

આઈએમએફનો અંદાજ: 2026માં ભારતનો માથાદીઠ જીડીપી બાંગ્લાદેશથી પાછળ, 2029માં ફરી આગળ

આઈએમએફનો અંદાજ: 2026માં ભારતનો માથાદીઠ જીડીપી બાંગ્લાદેશથી પાછળ, 2029માં ફરી આગળ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા (આઈએમએફ)ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અહેવાલ મુજબ, વર્ષ 2026માં ભારતનો માથાદીઠ જીડીપી બાંગ્લાદેશ કરતાં પાછળ રહેવાનો અંદાજ છે. બાંગ્લાદેશનો માથાદીઠ જીડીપી 2,886 ડોલર રહેવાની શક્યતા છે, જ્યારે ભારતનો આ આંકડો 2,749 ડોલર રહેવાનો અંદાજ છે.

આઈએમએફના અંદાજ મુજબ, 2027માં બાંગ્લાદેશનો માથાદીઠ જીડીપી વધીને 3,219 ડોલર થઈ શકે છે, જ્યારે ભારતનો 3,036 ડોલર રહેવાની શક્યતા છે. વર્ષ 2028માં પણ બાંગ્લાદેશ ભારત કરતાં આગળ રહેવાનો અંદાજ છે.

જોકે, 2029માં પરિસ્થિતિ બદલાઈ શકે છે. તે વર્ષે ભારતનો માથાદીઠ જીડીપી 3,661 ડોલર થવાનો અંદાજ છે, જ્યારે બાંગ્લાદેશનો 3,334 ડોલર રહેવાની આગાહી કરાઈ છે. આમ, આઈએમએફના વર્તમાન અનુમાન પ્રમાણે ભારત 2029માં ફરી બાંગ્લાદેશને પાછળ છોડી શકે છે.

અહેવાલના વિશ્લેષણમાં જણાયું છે કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વૃદ્ધિ પામી રહી હોવા છતાં રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય એક વર્ષ પાછળ ધકેલાયું છે. આઈએમએફના તાજેતરના અંદાજો મુજબ, ભારતનું અર્થતંત્ર હવે 2028ને બદલે 2029માં પાંચ ટ્રિલિયન ડોલરનું કદ વટાવશે.

આઈએમએફે ઓક્ટોબરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં 2028 માટે ભારતના જીડીપીનો અંદાજ અગાઉના 5.1 ટ્રિલિયન ડોલરથી ઘટાડીને 4.996 ટ્રિલિયન ડોલર કર્યો છે. જોકે, રૂપિયામાં ગણવામાં આવતા દેશના આર્થિક ઉત્પાદનનો અંદાજ વધારવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે રૂપિયાના અવમૂલ્યનથી ડોલરમાં ભારતના જીડીપીના મૂલ્ય પર અસર પડી રહી છે.