સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કેદારનાથ યાત્રા માટે પણ ચેતવણી

ગુજરાત સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કેદારનાથ યાત્રા માટે પણ ચેતવણી

ચાર મહિનાની ચોમાસાની સીઝન પૂરી થવા આવી છે, ત્યારે ચોમાસાની વિદાય પહેલાં દેશભરમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. મોનસૂન સક્રિય થવાના કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ શનિવારે (19 સપ્ટેમ્બર) ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 12 રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ મુજબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વરસાદ માટે યલો એલર્ટ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે. દક્ષિણના રાજ્યોમાં પણ ચોમાસાની સિસ્ટમ સક્રિય છે.

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થતાં શુક્રવારે અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ અને અંડરપાસોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે પણ દિવસભર ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

બીજી તરફ, ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં ફરી હિમવર્ષા શરૂ થતાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઉત્તરાખંડના ચમોલી, હેમકુંડ સાહિબ, કેદારનાથ અને રુદ્રનાથમાં હિમવર્ષા થતાં કેદારનાથ ધામમાં પારો શૂન્યથી નીચે ગગડી ગયો છે. જેને પગલે તંત્ર દ્વારા કેદારનાથ યાત્રા માટે એલર્ટ જારી કરીને યાત્રાળુઓને સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.