ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 7 ઑક્ટોબરથી દેશના ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. દિલ્હી-NCR, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન, ગાજવીજ અને વરસાદનું જોખમ છે. પૂર્વ ભારતમાં બિહાર અને મધ્ય ભારતમાં પૂર્વી મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢમાં તોફાની પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
જોકે, ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી હોવાથી 7થી 12 ઑક્ટોબર સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન મોટેભાગે શુષ્ક રહેશે. ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર વરસાદ સ્વરૂપે કોઈ અસર થશે નહીં. સવાર અને મોડી રાત્રે થોડી રાહત મળશે, પરંતુ બપોરે સૂર્યના તાપ અને ભેજને કારણે ગરમી તથા બફારો વધશે.
દિલ્હી-NCR: આવતીકાલે વાદળછાયું આકાશ રહેશે. મહત્તમ તાપમાન 33°Cથી 35°C અને લઘુતમ તાપમાન 21°Cથી 23°C વચ્ચે રહેવાનો અંદાજ છે. હવાની દિશા ઉત્તર-પશ્ચિમથી દક્ષિણ-પૂર્વ તરફ બદલાશે અને પવનની ઝડપ 15થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર: પહાડી વિસ્તારોમાં હવામાન વધુ તોફાની બનશે. ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી બરફવર્ષા અને અન્ય ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. પવનની ઝડપ 40થી 50 કિલોમીટરથી વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, તેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
ઉત્તરાખંડ: ચોમાસું પૂરું થયા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન ફરી પલટાઈ રહ્યું છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા છે, જેથી ખુલ્લા અને સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
પંજાબ, હરિયાણા અને ચંદીગઢ: 7થી 12 ઑક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. ગાજવીજ અને તેજ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.
ઉત્તર પ્રદેશ: પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ વાદળોની ગર્જના સાથે હળવા ઝાપટાં પડી શકે છે. સમગ્ર રાજ્યમાં 12 ઑક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે.
બિહાર અને ઝારખંડ: બિહારમાં 7 ઑક્ટોબરે વીજળીના કડાકા સાથે 40થી 50 કિલોમીટર અને કેટલાક સ્થળોએ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. લોકોને ઘરની અંદર રહેવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
આમ, દેશના મોટા ભાગમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે, જ્યારે ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે. નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.