નવી દિલ્હી: દેશમાં ચોમાસું હાલ પૂરજોશમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 18 કલાકમાં દેશના 21 રાજ્યોમાં મુશળધારથી અતિભારે વરસાદ અને 70 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરી છે. આ સ્થિતિ 9 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ વિકસિત થઈ રહી છે. તેની સાથે ઉત્તર-પૂર્વ બિહાર અને તેની લગોલગ ઉપરી હવામાં ચક્રવાતી પરિભ્રમણ પણ સક્રિય બન્યું છે. બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્ત પવનોની સૌથી વધુ અસર પૂર્વીય રાજ્યો પર જોવા મળશે. પૂર્વ ભારતમાં નદીઓનું જળસ્તર ઝડપથી વધી રહ્યું હોવાથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની ચેતવણી અપાઈ છે, અને પ્રવાસીઓને હવામાનની માહિતી લીધા વિના મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે 9 થી 11 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત, આસામ અને મહારાષ્ટ્રમાં ભારે ગાજવીજ, વીજળીના કડાકા અને કરા પડવાની શક્યતા દર્શાવી છે. દક્ષિણ ભારતના રાજ્યોને પણ આગામી 24 કલાક ખાસ સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યવાર અને જિલ્લાવાર વિગતો મુજબ, દિલ્હી-એનસીઆરમાં 9 થી 11 સપ્ટેમ્બર દરમિયાન 30 થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદી માહોલ રહેશે. ઉત્તર પ્રદેશના મેરઠ, આગ્રા, કાનપુર, વારાણસી સહિતના વિસ્તારોમાં 70 થી 80 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડશે. બિહારના પટના, ગયા, મુઝફ્ફરપુર સહિતના સ્થળોએ 60 થી 70 કિમીની ગતિએ પવન ફૂંકાશે. ઉત્તરાખંડમાં દેહરાદૂન, હરિદ્વાર, નૈનીતાલમાં ધોધમાર વરસાદ થઈ શકે છે, જ્યારે હિમાચલના કુલ્લુ-મનાલીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર સહિતના વિસ્તારોમાં 40 થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદની ચેતવણી છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, દાર્જિલિંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, અને ઝારખંડમાં 70 કિમીની ઝડપે ઝંઝાવાતી પવન ફૂંકાશે. રાજસ્થાન, પંજાબ અને મધ્ય પ્રદેશમાં પણ ભારે પવન અને વરસાદની શક્યતા છે. છત્તીસગઢમાં 65 કિમીની ગતિએ તોફાન આવી શકે છે, જ્યારે ઓડિશાના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.