સત્ય. સાહસ. સંકલ્પ.

21 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: દિલ્હી-NCRમાં સૂકું હવામાન, દક્ષિણ ભારતમાં તોફાની વરસાદની શક્યતા

21 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: દિલ્હી-NCRમાં સૂકું હવામાન, દક્ષિણ ભારતમાં તોફાની વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગ (IMD)એ 1થી 7 ઓક્ટોબર દરમિયાન દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની વિદાય સાથે દેશભરમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં વરસાદનું જોર ઘટશે અને હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, જ્યારે દક્ષિણ ભારતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની શક્યતા છે.

દિલ્હી-NCRમાં આગામી દિવસોમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની અને આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. સવાર અને સાંજના સમયે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જે ગુલાબી ઠંડીના પ્રારંભનો સંકેત છે. કેટલાક વિસ્તારોમાં હળવી ઝરમર વરસાદ પણ પડી શકે છે. 5 ઓક્ટોબર સુધી હવામાન મોટેભાગે એકસરખું રહેશે. 1 અને 2 ઓક્ટોબરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21થી 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં જયપુર, ટોંક, ઉદયપુર અને બીકાનેર સહિતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશમાં હાલ વરસાદી માહોલ યથાવત છે, પરંતુ 1 ઓક્ટોબરથી વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે. પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ બંનેમાં હવામાન સૂકું રહેશે અને વરસાદની આગાહી નથી. આ સાથે ઉત્તર પ્રદેશમાંથી ચોમાસાની વિદાય થશે. બિહારમાં પણ વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે. 1 ઓક્ટોબરે બિહારમાં વરસાદની શક્યતા નથી, જોકે 3 ઓક્ટોબર બાદ ફરી વરસાદ થઈ શકે છે.

દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને પુડુચેરીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. નીલગિરી, કોઈમ્બતૂર, સેલમ, ઇરોડ અને તિરુચિરાપલ્લી જિલ્લામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તરાખંડ, અંડમાન અને નિકોબાર ટાપુસમૂહ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.