નવી દિલ્હી/અમદાવાદ: ચોમાસું પૂરું થવાની તૈયારીમાં છે, ત્યારે દેશના ઘણા ભાગોમાં હજુ વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી મુજબ, 25 સપ્ટેમ્બરે ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
IMDના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં બનેલા ડીપ ડિપ્રેશનની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને આસપાસના રાજ્યોમાં દેખાઈ રહી છે. આ ડીપ ડિપ્રેશન 24 સપ્ટેમ્બરની સાંજ સુધી દક્ષિણ ઓડિશા અને તેને અડીને આવેલા ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પર હાજર હતું. તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું અને આગામી કલાકોમાં નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની ધારણા છે.
રાજ્યો માટે જાહેર કરાયેલા એલર્ટની વાત કરીએ તો ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, કર્ણાટક અને મેઘાલય માટે પીળો એલર્ટ જાહેર કરાયો છે. આ રાજ્યોમાં ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું, વીજળી પડવાનું અને ભારે પવનનું જોખમ પણ છે.
સૌથી વધુ અસર ઓડિશા અને ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પર થઈ છે, જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાયું છે અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. IMDના જણાવ્યા મુજબ, ઉત્તર આંધ્રના દરિયાકાંઠે પવનની ગતિ 25થી 30 નોટ (46થી 56 કિલોમીટર પ્રતિ કલાક) સુધી પહોંચી શકે છે અને ક્યાંક 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાની સ્થિતિ પણ તોફાનીથી ખૂબ તોફાની રહેવાની ધારણા છે.
ગુજરાતમાં ઉનાળા જેવી ગરમી
બીજી તરફ, ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂ થતાં જ ભાદરવાના તાપની ગરમી શરૂ થઈ છે. છેલ્લા બે દિવસમાં રાજ્યના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો નોંધાયો છે. ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીને પાર ગયું હતું.
ભુજ 38.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. કંડલામાં 37.5, રાજકોટ અને ભાવનગરમાં 36.9, અમદાવાદમાં 36.3, વડોદરામાં 36.1, ગાંધીનગરમાં 36 અને સુરતમાં 33.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં તાપમાન હજુ વધી શકે છે.