સત્ય. સાહસ. સંકલ્પ.

IMD: કાલે 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સક્રિય

IMD: કાલે 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સક્રિય

દેશના હવામાનમાં અત્યારે મોટો ફેરફાર થઈ રહ્યો છે. એક તરફ ચક્રવાત ‘અર્નબ’ની અસર હજુ સંપૂર્ણપણે ખતમ થઈ નથી, તો બીજી તરફ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું ઝડપથી વિકસી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ, દેશના અનેક વિસ્તારોમાં આગામી કેટલાક દિવસ સુધી ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.

પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને સતત વરસાદને કારણે ઠંડીનો અહેસાદ વધ્યો છે. લોકોએ ગરમ કપડાં અને ધાબળાનો ઉપયોગ શરૂ કરી દીધો છે. દિલ્હી-NCRમાં પણ અવારનવાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે અને ઠંડીમાં પણ વધારો થયો છે.

કાલે ક્યાં ભારે વરસાદ?

31 ઓક્ટોબરે દેશના પૂર્વીય, પહાડી અને પશ્ચિમી વિસ્તારોમાં છૂટોછવાયોથી ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમના મોટા ભાગના વિસ્તારોમાં કાલે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. બિહાર, ઝારખંડ અને ગંગાના મેદાની વિસ્તારોમાં પણ કાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જે 5 નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

અરુણાચલ પ્રદેશ માટે કાલે ભારે વરસાદની ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આશંકા છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ અથવા હિમવર્ષા શરૂ થઈ શકે છે. ઉત્તર પ્રદેશના પૂર્વીય વિસ્તારોમાં પણ કાલે આકાશ વાદળછાયું રહેશે અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ચક્રવાત અર્નબની અસર યથાવત

ચક્રવાત અર્નબ નબળું પડ્યું હોવા છતાં તેની અસર હજુ યથાવત છે. તેના અવશેષો અત્યારે ઉત્તર છત્તીસગઢ અને તેને અડીને આવેલા પૂર્વ મધ્યપ્રદેશ ઉપર લો-પ્રેશર વિસ્તાર તરીકે સક્રિય છે. તેના કારણે મધ્ય ભારત અને પૂર્વ ભારતના આકાશમાં વાદળો છવાયેલાં છે.

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ

દક્ષિણ અંદમાન સમુદ્ર ઉપર વધુ એક નવું લો-પ્રેશર ક્ષેત્ર બન્યું છે. આશંકા છે કે આ નવી હવામાન પ્રણાલી કાલે એટલે કે 31 ઓક્ટોબર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ તે આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધશે. આ સિસ્ટમને કારણે આગામી દિવસોમાં ભારે પવન સાથે ભારે અને અતિભારે વરસાદ પડવાની આશંકા છે, જે દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.

IMDના જણાવ્યા મુજબ, 2 અને 3 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઓડિશાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી શકે છે.

હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. માછીમારોને દરિયામાં ન જવા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.