નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવતીકાલે (આજથી આગામી 16 કલાકમાં) દેશના 24 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને તીવ્ર વાવાઝોડાની ચેતવણી આપી છે. પશ્ચિમ-મધ્ય અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી તેમજ તેને અડીને આવેલા ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે નવું લો-પ્રેશર ક્ષેત્ર આકાર લઈ રહ્યું છે, જેના કારણે આ વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બિહાર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. દક્ષિણ ગુજરાતથી પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી અને દક્ષિણ તેલંગાણાથી મન્નારના અખાત સુધી બે ટ્રફ રેખાઓ લંબાયેલી છે. ઉત્તર હરિયાણા પર પણ ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે. આ પરિબળોના કારણે આવતીકાલના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે.
જે રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મિઝોરમ સામેલ છે. અમુક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
રાજ્યવાર આગાહી અને તાપમાન:
દિલ્હી: આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે, જે 14 સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે. આકાશ વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.
ગુજરાત: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે.
ઉત્તર પ્રદેશ: નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, આગ્રા, મથુરા, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર, ગોરખપુર અને ઉન્નાવ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ અને 80 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાઈ શકે છે. લખનૌમાં તાપમાન 26-33 ડિગ્રી વચ્ચે રહેશે.
બિહાર: પટણા, સિવાન, સારણ, વૈશાલી, મધુબની, પૂર્ણિયા અને ભાગલપુરમાં ભારે વરસાદ અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પટણામાં તાપમાન 27-32 ડિગ્રી રહેશે.
મધ્ય પ્રદેશ: ભોપાલ, ઇન્દોર, ગુના, ઉજ્જૈન, મુરેના અને શ્યોપુરમાં ભારે વરસાદ અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભોપાલમાં મહત્તમ 31 અને લઘુત્તમ 21 ડિગ્રી રહેશે.
રાજસ્થાન: જયપુર, અજમેર, બુંદી, ઉદયપુર, કોટા અને ભીલવાડામાં વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. પવનની ગતિ 55-65 કિમી પ્રતિ કલાક રહેશે. જયપુરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાશે.
પહાડી રાજ્યો (હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ): હિમાચલના કુલ્લુ, મંડી, શિમલા અને ઉત્તરાખંડના દહેરાદૂન, હરિદ્વાર, નૈનીતાલમાં ભૂસ્ખલન અને મુશળધાર વરસાદની ચેતવણી છે. મનાલીમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સુધી ગગડી શકે છે.
ઝારખંડ અને ઓડિશા: રાંચી, ધનબાદ, બાલાસોર, કટક અને પુરી સહિતના વિસ્તારોમાં 50-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરાયું છે.
પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીર: કોલકાતા, દાર્જિલિંગ તેમજ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા, ડોડા અને કઠુઆમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે, કારણ કે દરિયામાં ઊંચા મોજા ઉઠવાની શક્યતા છે.